
Gujarat Weather forecast: રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસું જામ્યું હોય તેવો માહોલ રચાયો છે. અષાઢ મહિનો શરૂ થતાની સાથે ભરપૂર વરસાદનું રાજયમાં આગમન થયું છે. જેથી હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય બે જુલાઈ અને 3 જુલાઈએ પણ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં આગામી સમયમાં વરસાદ અને પવનને લઈ હવામાન વિભાગે આગાહી દર્શાવી છે. જે મુજબ આગામી બીજી અને ત્રણ જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય અમદાવાદમાં હળવો વરસાદ થશે તેવો વર્તારો વ્યક્ત કર્યો છે. અમદાવાદ શહેર સહિત ગ્રામ્યમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવી છે. જ્યારે આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે તેવી આગાહી છે. આજે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાતમાં સર્કિય થતાની સાથે ગુજરાતના કેટલાક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. જેના કારણે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યમાં વરસાદ ખાબકશે.
વરસાદની સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદ સાથે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી થઈ છે. સૌરાષ્ટ કચ્છમાં સુરેન્દ્રનગર રાજકોટ, જામનગર, પોરબંદર , જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ અને કચ્છમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે.