
ગુજરાતમાં વધુ એક સુરેન્દ્રનગર-મુળી હાઈવે પર માર્કેટ યાર્ડ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય સાત મુસાફરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
મુળી માર્કેટ યાર્ડ પાસે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો
રાધનપુરના ગોસનાથ ગામથી એક પરિવાર ચોટીલા દર્શનાર્થે જઈ રહ્યો હતો. ત્યારે વહેલી સવારે સુરેન્દ્રનગર-મુળી હાઈવે પર મુળી માર્કેટ યાર્ડ પાસે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઘડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. મહત્વનું છે કે, કાર જ્યારે પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે કાર રસ્તા પર રહેલા ડીવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઇકો કારનું રીતસરનું પડીકું વળી ગયું હતું.
રાધનપુરના પરિવારને નડ્યો અકસ્માત
અકસ્માતમાં કાર ચાલક ભાવસંગભાઈ ઉર્ફે મનુભાઈ બચુુભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર ભાવનાબેન બીજલભાઈ ઠાકોર, બીજલભાઈ દેવાભાઈ ઠાકોર, અશોકભાઈ બીજલભાઈ ઠાકોર, પાર્થભાઈ બીજલભાઈ ઠાકોર, ભાવનાબેન અશોકભાઈ ઠાકોર, તબુબેન ગંગારામભાઈ ઠાકોર, ગંગારામભાઈ ઠાકોરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતા તેમજ લોકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.