
ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે કપડવંજ-મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક ST બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કંડક્ટર અને પેસેન્જરનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસના આગળના ભાગનો ફુરચા થઈ ગયા હતા.
બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો
કપડવંજ-મોડાસા સ્ટેટ હાઇવેના પાંખિયા ચોકડી નજીક એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસના કંડક્ટર સંજયસિંહ અને મુસાફર અમરસિંહ પરમારનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એસટી બસમાં સવાર મુસાફરો સહિત અન્ય વાહનના મળી કુલ આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
9થી વધુ લોકો ઘાયલ
ઘટનાને પગલે મામલતદાર તેમજ કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહી છે. પ્રથમીક તપાસમાં સામે આવ્યું છે કે, એસટી બસ બાયડથી કપડવંજ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો છે.