Home / India : 'Hindi is our girl sister'; Political uproar over Sarnaik's statement, Uddhav faction and MNS warn

'હિન્દી આપણી લડકી બહેન' ; સરનાઈકના નિવેદન પર મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો, ઉદ્ધવ જૂથ અને મનસેએ ચેતવણી આપી

'હિન્દી આપણી લડકી બહેન' ; સરનાઈકના નિવેદન પર મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો, ઉદ્ધવ જૂથ અને મનસેએ ચેતવણી આપી

Maharastra Language Controversy | મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈકના એ નિવેદનથી હોબાળો મચી ગયો છે જેમાં તેમણે કહ્યું હતું કે હિન્દી મુંબઈની બોલી છે અને અહીં બોલાતી ભાષા છે, ખાસ કરીને એવા સ્થળો કે જ્યાં સ્થળાંતર કરનારાઓ વધુ રહે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મરાઠી આપણી માતૃભાષા છે, આપણી માતા છે
પરિવહન મંત્રીએ કહ્યું કે, મારો વિધાનસભા મતવિસ્તાર થાણે અને મીરા-ભાયંદરમાં છે. જ્યારે હું થાણેમાં લોકો સાથે વાત કરું છું, ત્યારે હું શુદ્ધ મરાઠીમાં બોલું છું. મીરા-ભાયંદરમાં પ્રવેશતાની સાથે જ મારા મોંઢેથી ફક્ત હિન્દી જ નીકળે છે. જોકે મરાઠી આપણી માતૃભાષા છે, આપણી માતા છે. પરંતુ હિન્દી આપણી પ્રિય બહેન છે. આ પ્રિય બહેનોને કારણે, આપણને (રાજ્ય વિધાનસભામાં) 237 થી વધુ બેઠકો મળી છે.

હિન્દી મુંબઈની બોલી બની ગઈ છે: મંત્રી
તેમણે કહ્યું કે હિન્દી મુંબઈની બોલી બની ગઈ છે. મુંબઈમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં શુદ્ધ હિન્દી બોલાતી હોય. હિન્દી બોલતી વખતે અંગ્રેજી કે મરાઠીનો એક કે બીજો શબ્દ આવે જ છે. તેથી હિન્દી આપણી બોલી બની ગઈ છે.

વિપક્ષે કર્યા પ્રહાર
શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ પ્રતાપ સરનાઈકના આ નિવેદનની ટીકા કરી હતી અને મંત્રીને પૂછ્યું હતું કે શું આ રાજ્ય સરકારનું સત્તાવાર વલણ છે. શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે સરનાઈકની ટીકા કરી હતી અને કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના એટલા માટે કરી હતી કે મરાઠી લોકો ગૌરવ સાથે જીવી શકે. શિવસેનાની રચના મરાઠી લોકોના ઉત્થાન અને કલ્યાણ માટે કરવામાં આવી હતી જેથી તેઓ મરાઠી હોવાનો ગર્વ અનુભવી શકે. હવે આ લોકો (શિવસેના) કહે છે કે અમે બાળાસાહેબ ઠાકરેના ઉત્તરાધિકારી છીએ. તેમના નેતાઓને પૂછો કે શું મરાઠી અંગે આ તેમનો વલણ છે?

આ તો અમિત શાહના વિચારો છે... 
તેમણે કહ્યું કે શિવસેના જે વિચારે છે તે ભાજપ અને ગૃહમંત્રી અમિત શાહના વિચાર સમાન છે. રાઉતે કહ્યું કે મેં વારંવાર કહ્યું છે કે તેમના પક્ષ (શિવસેના) ના નેતા અને વડા અમિત શાહ છે. તેથી શાહ જે કંઈ પણ કહે છે, આ લોકો પણ એ જ કહે છે. તેઓ (શિવસેનાના નેતાઓ) ભાજપ અને અમિત શાહના વિચારો રજૂ કરી રહ્યા છે.

મરાઠી મહારાષ્ટ્ર અને મુંબઈની ભાષા છે : MNS
જ્યારે મનસેના નેતા યશવંત કિલેદારે કહ્યું કે અમારો પક્ષ મહારાષ્ટ્ર અને મરાઠી લોકો માટે લડશે. તેમણે કહ્યું કે, જો તેઓ મત ખાતર મરાઠીને ગીરવે રાખવા માંગતા હોય, તો પાર્ટી તેનો સખત વિરોધ કરશે. આ સહન કરવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર અને મુંબઈની ભાષા મરાઠી છે. મુંબઈ મરાઠી લોકોનું છે. શું પ્રતાપ સરનાઈક આ જાણે છે?

હિન્દી ભાષાને ફરજિયાત બનાવવાનો નિર્ણય બદલવો પડ્યો હતો 
સરનાઈકનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એપ્રિલમાં મહારાષ્ટ્રમાં ભારે વિરોધ બાદ મહાયુતિ સરકારે શૈક્ષણિક વર્ષ 2025-26 થી અંગ્રેજી અને મરાઠી શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધી હિન્દી ભાષા ફરજિયાત બનાવવાના પોતાના પગલાને પાછો ખેંચવો પડ્યો હતો. શાળા શિક્ષણ મંત્રી દાદાજી ભૂસેએ જાહેરાત કરી હતી કે હિન્દી હાલ માટે ફરજિયાત નહીં કરવામાં આવે, પરંતુ ધોરણ 1 થી 5 સુધી તે વૈકલ્પિક રહેશે.

 

Related News

Icon