Home / : Sahiyar : You can decorate your home beautifully even on a low budget

Sahiyar : ઓછા બજેટમાં પણ ઘરની સુંદર સજાવટ કરી શકાય

Sahiyar : ઓછા બજેટમાં પણ ઘરની સુંદર સજાવટ કરી શકાય

ઘરની સજાવટ પરફેક્ટ રીતે કરવી કોઈ સરળ કાર્ય નથી. અનેક બાબતો ધ્યાનમાં લેવી પડે છે. પરવડે તેવું બજેટ બનાવવું અને તમે લીધેલા નિર્ણયોના ઉત્તમ પરિણામ મેળવવા તેને વળગી રહેવું સૌથી મહત્વનું છે. ઘરની સજાવટ એક ખર્ચાળ બાબત છે અને એવી બાબત છે જે આડેધડ હાથ ન ધરવી જોઈએ. આ કાર્ય ખરા દિલ અને લગાવથી કરવાનું હોય છે. કામ યોગ્ય રીતે થયાની તમે ખાતરી નહી કરવામાં આવે તો તમે જેને યોગ્ય નથી સમજતા તેવા ઘરમાં રહેવું તમારા માટે દુષ્કર થઈ જશે. નોંધનીય છે કે યોગ્ય સજાવટ માટે નાણાં કરતા પણ તમારી લગન અને ખંત વધુ જરૂરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઘરની સજાવટ ખર્ચાળ હોવી જરૂરી નથી. મોંઘુ ફર્નિચર અને કિંમતી સજાવટની વસ્તુઓ ફોટા માટે સારી છે પણ વાસ્તવમાં તે શક્ય નથી બનતું. ઘરની સુંદરતા સાથે સમાધાન કર્યા વિના તમારા બજેટમાં સજાવટ કરવા નિષ્ણાંતોની ટિપ્સ ઉપરાંત તમારી જરૂરીયાતને ધ્યાનમાં રાખવી. ઘરમાં તેના રહેવાસીઓની જીવનશૈલી અને અભિગમ પ્રતિબિંબિત થવા જોઈએ. આથી ઘરની સજાવટ ઓછા ખર્ચમાં પણ કરી શકાય તેવા કેટલાક મુદ્દા વિશે વિચાર કરી લઈએ.

- ગાલીચા

ગાલીચામાં ખર્ચ ઓછો કરવાથી તમે ઘણી રકમની બચત કરી શકો છો. ઘણાને અહેસાસ નથી થતો કે ગાલીચામાં વધુ ખર્ચ કરવો આવશ્યક નથી. તમારે ઘરના તમામ ખુણાને ગાલીચાથી આવરી લેવાની જરૂર નથી. ક્યારેક સખત ફર્શ સાફ કરવી વધુ સહેલી હોય છે અને તે વધુ સુંદર પણ લાગે છે.

- પડદા

ભારે વજનદાર અથવા વધુ પડતા ફેન્સી પડદાનો ઉપયોગ ટાળવો. આમ કરવાથી મોટી રકમની બચત થઈ શકશે. સવારના સમયે ઘરમાં લાઈટ ઓન કર્યા વિના પણ પૂરતો ઉજાસ આવે તેની ખાતરી કરવી.

- અરીસા

અરીસા યોગ્ય સ્થળે મુકાયા હોવાની ખાતરી કરવી. યોગ્ય સ્થળે મુકેલા અરીસા ઓરડાને વિશાળ અને મોટા હોવાનો ભાસ કરાવે છે. ઉત્તમ પરિણામ માટે અરીસાની ગોઠવણી યોગ્ય રીતે કરવી. સૌંદર્યના વધુ નિખાર માટે અરીસા માટે વિન્ટેજ ફ્રેમનો ઉપયોગ પણ કરી શકાય.

- રંગ

રંગ એક એવું અન્ય ઘટક છે જે ઓરડાને વિશાળ દેખાવ આપવામાં સહાય કરે છે. આ પરિણામ મેળવવા યોગ્ય કલર કોમ્બિનેશન પસંદ કરવું. માત્ર એક જ દિવાલ અથવા દરવાજા પર રંગ કરવાની નક્કી કરી શકાય.

- રંગોનું મિશ્રણ

એકમેક સાથે સુસંગત હોય તેવા રંગોની પસંદગી કરવી. સારી રીતે મેચ કરેલા રંગ તમારા બજેટમાં ઘરની સજાવટ હાંસલ કરવામાં ઉત્તમ સાબિત થાય છે.

- એસેસરીઝ

નાણાની બચત કરવા તમારા પોતાના એસેસરીઝ બનાવવા પર ધ્યાન આપો. એમાં સમય જરૂર લાગશે પણ તમને ધાર્યું પરિણામ જરૂર મળશે. તકીયાના કવર જેવી વસ્તુઓ પર વધુ ખર્ચ કરવાના સ્થાને તેના રંગ પર વધુ ધ્યાન આપવું. યોગ્ય રંગની વસ્તુઓ ઘરને આકર્ષક બનાવશે. તકીયા પણ અલગ અલગ આકારના ઉપયોગમાં લેવા. સફેદ ફૂલના છોડ અથવા કૃત્રિમ છોડ પણ લિવિંગ એરીયા અથવા બાલ્કનીની સુંદરતામાં વધારો કરી શકે છે. સેન્ટર ટેબલ પર પુસ્તકો, સિલ્કના ફૂલોની ફૂલદાની, સિરેમીક આર્ટવસ્તુઓ અથવા કોઈ કલાત્મક વસ્તુ મુકવાથી પણ ઘરની સુંદરતામાં વધારો થઈ શકે છે.

- નાના ફર્નિચર

ઉત્તમ પરિણામ માટે ફર્નિચરના કદ નાના રાખો. નાના ફર્નિચરના ઉપયોગથી ઘર મોટું લાગશે અને પૈસાની બચત પણ થશે. ફર્નિચરની પસંદગી કરતી વખતે તમારા આરામ અને ગુણવત્તા પર ધ્યાન આપવું. ફર્નિચર ભલે ઓછું હોય પણ તેની ગુણવત્તા સાથે ક્યારે પણ સમાધાન  ન કરવું. આવા ફર્નિચર ઓછી સંખ્યામાં પણ ઘરને ઉત્તમ દેખાવ આપે છે.

- લાઈટિંગ

લાઈટિંગ પર વધુ ખર્ચ ન કરવો. તમે રચનાત્મક રીતે લાઈટિંગની ગોઠવણી કરી શકો છો. લેમ્પની સજાવટ માટે રચનાત્મક ઉપાયો અજમાવવા થોડો સમય ગાળો. લાઈટ પાછળ બેફામ ખર્ચ કરવાથી ઉત્તમ પરિણામ હાંસલ નહિ થાય. યાદ રહે કે મોટાભાગના વૈભવી ઘરોમાં લાઈટો ઓછી ઉજાસ વધુ હોય છે. લેમ્પશેડને સારી સજાવટ કરીને પણ ઉત્તમ પરિણામ મેળવી શકાય.

- ભીંત ચિત્રો

યુવા પેઢીને સામાન્યપણે તેમના ઓરડાની દિવાલો પોસ્ટરોથી ભરી દેવાની આદત હોય છે. ઓરડો અથવા ઘરને વિશાળ દેખાવ આપવો હોય તો ફોટા અને પેઈન્ટિંગની સંખ્યા મર્યાદિત કરો. અનેક નાના ફોટાના સ્થાને એક વિશાળ ભીંતચિત્ર લગાવવાથી જગ્યાનો દેખાવ વિશાળ લાગશે અને સૌંદર્યમાં પણ નિખાર આવશે.

- ઉમેશ ઠક્કર

Related News

Icon