
કાયાને કામણગારી રાખવાની ઘેલછા હમેશાંથી ચાલી આવે છે. એકવડો બાંધો મેળવવા માત્ર મહિલાઓ જ નહીં, આધુનિક યુગના પુરૂષો પણ એટલાં જ ઘેલાં થયા છે. અને તેને માટે નિતનવા ડાયટ પ્લાન ટ્રેન્ડી બને છે. છેલ્લા કેટલાક વખતથી મોનો ડાયટ અથવા મોનોટ્રોફિક ડાયટ ચલણમાં છે. દુનિયાભરની સેલિબ્રિટીઓ મોનો ડાયટની પાછળ પડી ગઈ હોય એવો સિનારિયો સર્જાયો છે. ચાહે તે વિક્ટોરિયા બેકહમ હોય કે પછી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી. અહીં એ સમજવું રસપ્રદ થઈ પડશે કે મોનો ડાયટ એટલે શું? તજજ્ઞાો તેના વિશે સમજ આપતાં કહે છે.
મોનો ડાયટ એટલે શું?
મોનો ડાયટ એટલે એક ભોજન અથવા એક દિવસમાં માત્ર એક જ પ્રકારનો આહાર. તેમાં ભોજન માટે કોઈ પ્રકારનું આયોજન કરવાની જરૂર નથી પડતી, કે નથી હોતી તેમાં કોઈ કેલરીની ગણતરી. પરંતુ તે કેટલું યોગ્ય છે તેનો વિચાર કરવો ઘટે.
મોનોટ્રોફિક આહાર શૈલી સાવ સાદી છે, પ્રારંભિક તબક્કે તે ઝપાટાભેર વજન ઓછું કરવામાં સહાયક બને છે. સામાન્ય રીતે તેમાં વિવિધ પ્રકારના ફળો, બટાકાં, કોબી, દૂધ, કેળાં, બ્રાઉન રાઈસ, સુકો મેવો ઇત્યાદિ લેવામાં આવે છે. તેમાં જે તે વ્યક્તિ થોડાં દિવસ કે અઠવાડિયા સુધી આમાંની કોઈપણ એક જ વસ્તુ ખાધા કરે છે. આવી સ્થિતિમાં વજન ઝડપથી ઘટે તે સ્વાભાવિક છે. પરંતુ આવી આહાર શૈલી સલાહભરી ન ગણાય. નિષ્ણાતો તેના કારણો સમજાવતાં કહે છે..,
કોઈપણ એક જ ખાદ્ય પદાર્થ શરીર માટે આવશ્યક સઘળાં મેક્રો અને માઇક્રોન્યૂટ્રિઅંટ્સ શી રીતે પૂરાં પાડી શકે? તેને કારણે શરીરમાં વિટામીન તેમ જ ખનિજ તત્વોનો અભાવ સર્જાય છે. સ્વાભાવિક રીતે જ જે તે વ્યક્તિ થાક, નબળાઈ, અકળામણનો અનુભવ કરે છે. એટલું જ નહીં, તે લાંબા સમય સુધી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના સપાટામાં આવે છે.
એક જ પ્રકારનો આહાર થોડાં દિવસો કે અઠવાડિયાઓ સુધી લેતાં રહેવાથી શરીર પૂરતા પ્રોટીન, સ્વસ્થ ચરબી, કાર્બોહાઇડ્રેટ ઇત્યાદિથી વંચિત રહે છે. સ્વાભાવિક રીતે જ તેને કારણે માંસપેશીઓને નુકસાન પહોંચે છે, ચપાપચયની ક્રિયા ધીમી પડે છે જે છેવટે ભવિષ્યમાં વજન અંકુશમાં રાખવામાં નડતર બની રહે છે.
- જો તમારા ચોક્કસ પ્રકારના આહારમાં પોટેશિયમની માત્રા વધુ હોય તો લાંબા દિવસો સુધી તેનું સેવન ધબકારા અનિયમિત બનાવે છે. જ્યારે વધારે પડતું પ્રોટીન કિડની પર દબાણ લાવે છે. તેવી જ રીતે રેષા વિનાની કે નજીવા રેષા ધરાવતી વસ્તુ ખાતા રહેવાથી સતત ભૂખ્યા હોવાની અનુભૂતિ થાય છે. એટલું જ નહીં, તે કબજિયાતને નિમંત્રણ આપવા સમાન બની રહે છે.
- રોજેરોજ એક જ વસ્તુ ખાવાથી જે તે વ્યક્તિ કંટાળી જાય છે. આ અકળામણ તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. એટલું જ નહીં, એક જ વસ્તુ ખાઈને ત્રાસી ગયેલી વ્યક્તિ જ્યારે તેના સ્થાને અન્ય વસ્તુ ખાવાનું શરૂ કરે ત્યારે તે સ્વાભાવિક રીતે જ થોડું વધુ ખાઈ લેવાની લાલચ રોકી શકતી નથી. આવી સ્થિતિમાં તેની અત્યાર સુધીની વજન ઘટાડવાની મહેનત પર પાણી ફરી વળે છે. બહેતર છે કે સઘળાં જરૂરી પોષક તત્વો મળી રહે એવો સંતુલિ આહાર લો.
- વૈશાલી ઠક્કર