
મોસમ બદલાતાં વોર્ડરોબમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. ગરમીની ઋતુમાં થોડા ખુલતાં અને હવાની અવરજવર થઇ શકે તેવા પોશાક પહેરવા જોઇએ. ફેશન ડિઝાઇનરોનાં મતે ઉનાળો એટલે વિવિધ રંગો અને ફ્યુઝન સ્ટાઇલની મોસમ. આમાં પારંપરિક વર્કને મોડર્ન લુક આપી શકાય છે. કુર્તી, સાડી, બેબીડોલ ડ્રેસથી લઇને ગોટા લગાડેલા વેસ્ટકોટ, કૉટનના ભરતકામ કરેલા લેયર્ડ ડ્રેસ વગેરે ઘણા વિકલ્પોમાંથી પસંદગી કરી શકાય છે.
જો તમારે વધારે પૈસા ખર્ચવા ન હોય તો ગયા વરસના સમર ક્લેક્શનને કાઢો અને થોડી નવી એક્સેસરીઝની સાથે તેને નવો લૂક આપીને પહેરો. કારણ કે ફેશન ડિઝાઇનરોના મતે આ વરસે સમર ફેશનમાં ખાસ કોઇ પરિવર્તન આવ્યું નથી. માત્ર જુના ક્લેક્શનને નવા અંદાજમાં પહેરવાની સ્ટાઇલ તમારે શીખવાની રહેશે.
ઉનાળામાં ખાદીના વસ્ત્રો ખાસ પહેરવા. આનાથી શરીરને ઠંડક મળશે તથા લુક સ્ટાઇલીશ દેખાશે. ખાદીને માહેશ્વરી કે ચંદેરી કૉટન જેવા હેન્ડલૂમ ફેબ્રિક સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકાય છે.
છેલ્લા ત્રણ વર્ષથી કુર્તીની ફેશન ચાલે છે. આ વરસે પણ શોર્ટ કુર્તી ઇન છે. પરંતુ અનારકલી કુર્તી હવે આઉટ ઓફ ફેશન ગણાય છે. ગયા વર્ષે પટિયાલા સલવારનો ટ્રેન્ડ હતો. પટિયાલા સલવાર ખુલતી હોવાથી ઉનાળામાં સુવિધાજનક રહે છે. પરંતુ આ વરસે લેગિંગ્સની ફેશન છે. મોટાભાગની યુવતીઓ લેગિંગ્સ સાથે કુર્તી પહેરવાનું પસંદ કરે છે.
ટયુનીક અને કૉટનના ડ્રેસ ઉનાળામાં ખાસ પહેરી જોવા. ભારતીય યુવતીઓ ટયુનીક્સમાં શોભે છે. અત્યારે પેન્સિલ સ્કર્ટ આઉટ ઓફ ફેશન થઇ ગયા છે. પરંતુ કૉટનના ઘેરવાળા સ્કર્ટ સ્ટાઇલ સ્ટેટમેન્ટ ગણાય છે. અલગ લુક માટે સફેદ ડ્રેસની સાથે નિયોન અથવા ફ્લોરોસન્ટ જેવા ઘેરા રંગની એક્સેસરીઝ પહેરવી. ટ્રેડીશનલ આઉટફિટની જગ્યાએ ફ્યુઝન સ્ટાઇલ અપનાવવાથી ઉનાળો રંગીન બની જશે.
સ્ટાઇલીશ પોશાક સાથે ગુલાબી, ઘેરા પીળા, કેસરી, આકાશી ભૂરા, લીલા વગરે રંગના પગરખાંની ફેશન આ વરસે છે. હળવા રંગના સ્ટ્રેપી ફુટવેર પહેરવા. ફુટવેરની જેમ જ બોલ્ડ તથા બ્રાઇટ રંગના પર્સ પસંદ કરવા. સફેદ અથવા પેસ્ટલ શેડના આઉટફિટની સાથે ઘેરા રંગની તથા બોલ્ડ પ્રિન્ટની બેગ લેવી. આવી બેગ સુંદર અને સ્માર્ટ દેખાશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સોફ્ટ બેગ ફેશનમાં છે. હા, પાર્ટીમાં જવું હોય ત્યારે ક્લચ (હાથમાં પકડવાનું નાનું પર્સ)નો ઉપયોગ કરવો.
એક અગ્રણી ફેશન ડિઝાઇનરના મતે આ ઉનાળામાં યંગ અને ફ્રેશ લુક માટે હળવા ફેબ્રિકના ફ્લોઇંગ સ્કર્ટ પહેરવા અથવા સરોંગને હૉલ્ટર નેક ટી-શર્ટ સાથે પણ પહેરી શકાય. સેમી ફોર્મલ વેરમાં ટી-શર્ટને ખાસ પસંદ કરવું. જુદા-જુદા ટેક્સચરને મિક્સ એન્ડ મેચ કરીને નવા-નવા પ્રયોગો કરવા. જુદા લુક માટે ટ્રેડીશનલ આઉટફિટને આધુનિક લુક આપવો. હેવી વર્કને ગુડબાય કહેવું અને હળવા એમ્બિલિશમેન્ટ વાળા કપડાં પહેરવા.
કેઝ્યુઅલ લુક માટે જીન્સ આ સીઝનમાં પણ ટ્રેન્ડી ગણાય છે. ક્રશ્ડ ફેઝ્યુઅલ ટૉપની સાથે જીન્સ ઇવનીંગ વેરમાં પહેરવાથી તમારો દેખાવ બદલાઇ જશે. ક્રોશિયાના ટૉપ પણ રોમાન્ટિક અને સુરુચિપૂર્ણ લુક આપે છે. બેલ્ટ, કલરફુલ સેન્ડલ અને સ્કાર્ફ આ સીઝનની જરૂરત છે. આથી આનો વોર્ડરોબમાં જરૂર સમાવેશ કરવો.
કલર ઇન ફેશન
* સફેદ રંગ ઉનાળાની પહેલી પસંદ ગણાય છે.
* ગ્લેમરસ લુક માટે ગ્રે, નેવી બ્લુ કે વાઇન કલરને પસંદ કરવો.
* ફેશન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે લાલ, કેસરી, પીળો અને ફ્યુશિયા પિંક જેવા ઘેરા રંગ પણ આ સીઝનમાં હૉટ ચોઇસ રહેશે.
* કૂલ ન્યુટ્રલ રંગોની ફેશન પણ અત્યારે છે.