સુરતમાં અવારનવાર આગના બનાવો બની રહ્યાં છે. દરેક આગ વખતે ફાયર સેફ્ટીને લઈને સવાલો ઉભા થતાં હોય છે. ત્યારે વેસુમાં લક્ઝુરિયસ હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડિંગના આઠમા માળે અચાનક આગ લાગી હતી. આ સોસાયટીમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવાસ સ્થાન આવેલું છે. તેમના ઘરની સામેના બિલ્ડીંગરમાં જ આગ લાગી ગઈ હતી. તે પ્રસરીને ઉપરના 3 માળ એટલે કે છેક 11મા માળ સુધી ફેલાઈ ગઈ હતી. ત્યારે આગ ઝડપથી ફેલાઈ ત્યારે ફાયર સિસ્ટમ ફેઈલ ગઈ કે કેમ તેને લઈને સવાલો ઉભા થયા છે.
એકનો હાથ દાઝ્યો
આઠમાં માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 5 ફાયર સ્ટેશનની ટીમને ઘટનાસ્થળે રવાના કરાઈ હતી. હાલમાં ફાયર વિભાગની ટીમો કૂલિંગની પ્રક્રિયા કરી રહી છે. આગને બુઝાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ દાઝ્યો હતો.
મોર્નિંગ વોક વખતે આગની જાણ થઈ
આઠમાં માળે સ્ટીમ બાથ ઉપકરણમાં આગ લાગી હતી, જ્યારે નવમા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં લાકડાં, પીઓપી, પ્લાયવૂડ અને ફાઇબર સામગ્રી મૂકવામાં આવી હતી. જેના કારણે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ નવમા માળેથી 10 અને 11માં માળ સુધી પહોંચી ગઈ હતી.બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકોને ખબર જ નહોતી કે આઠમા માળે કોણ રહે છે. સવારે લોકો મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. ત્યારે અચાનક 7.15 વાગ્યે આગ લાગી હતી. આગની જાણ થતાં લોકો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક હેપી એક્સિલન્સીયા કેમ્પસમાં પહોંચી હતી, જોકે કેમ્પસની ડિઝાઇનના કારણે ફાયર બ્રિગેડની એક ગાડીને અંદર પહોંચવામાં થોડો સમય લાગી ગયો હતો.