
સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે કબજા અંગે આજે મહત્વપૂર્ણ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. લાલગેટ વિસ્તારની સરકારી જમીન પર તાણી બંધાયેલા ગેરકાયદે દુકાનોને લઈને પોલીસે સ્ટ્રાઈક કરવામાં આવી છે.
સરકારી જમીન પર હતો કબ્જો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દુકાનોનો કબજો ગુનાઇત ઈતિહાસ ધરાવતા (હિસ્ટ્રીશીટર) મોહમદ અજરુદ્દિન ઉર્ફે મોહમદ ઇમ્તિયાઝ દ્વારા લેવાયો હતો. આરોપી સામે લાલગેટ, અઠવા, મહિધરપુરા અને ડીસીબી સહિત અનેક પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. એ ધરપકડથી બચવા અને ગેરકાયદે આવક માટે સરકારી જમીન પર કબજો કરી દુકાનો ચલાવી રહ્યો હતો.
રહેવાસીઓએ ખુશી વ્યક્ત કરી
પોલીસે જણાવ્યું કે મોહમદ ઇમ્તિયાઝ જેવા ઈતિહાસખોર તત્વો વિરુદ્ધ નિયમિત સર્વેલન્સ અને માહિતી એકઠી કરીને દબાવાની કામગીરી ચાલી રહી છે. આજે સવારે પોલીસે સ્થાનિક મ્યુનિસિપલ ટીમના સહકારથી દુકાનો પર કાર્યવાહી કરીને તેને તોડી પાડી દીધી હતી.કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહીશો અને હાઉસિંગ સોસાયટીના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ પગલાનું સ્વાગત કર્યું હતું. એક રહેવાસીએ જણાવ્યું કે, "અમે ઘણા સમયથી ગેરકાયદે કબજાની ફરિયાદ કરતા હતા. આજે પોલીસ અને તંત્રે યોગ્ય પગલું ભર્યું છે."