
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત નોંધાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. માન્ચેસ્ટરના ઓલ્ડ
ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી ચોથી T20I મેચમાં, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ ટીમને 6 વિકેટથી હરાવી અને 5 મેચની
સિરીઝમાં 3-1ની અજેય લીડ મેળવી છે. પહેલા બેટિંગ કરતા, ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર
126 રન જ બનાવી શકી હતી. ભારતીય બોલરોએ સચોટ લાઈન-લેન્થ સાથે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને મુક્તપણે
રમવાની તક નહતી આપી. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
https://twitter.com/ICC/status/1943097097374536070
રાધા યાદવે બોલ સાથે કમાલ કરી
ભારતીય બેટ્સમેનોએ સંયમિત રીતે રમતા જરૂરી રન બનાવ્યા અને ટીમને ઐતિહાસિક જીત અપાવી. રાધા
યાદવને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે બોલ સાથે
શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને ઈંગ્લેન્ડના 2 બેટ્સમેનોની વિકેટ લીધી હતી. ભારત
માટે ઓપનર સ્મૃતિ મંધાનાએ 32 રન અને શેફાલી વર્માએ 31 રનનું યોગદાન આપ્યું હતું. જેમિમા રોડ્રિગ્સે અણનમ
24 રન બનાવ્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 26 રનની ઈનિંગ રમી હતી.
https://twitter.com/BCCIWomen/status/1943049224620511246
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં મોટી સિદ્ધિ હાંસલ કરી
આ જીત સાથે, ભારતીય મહિલા ટીમે પહેલીવાર ઈંગ્લેન્ડ સામે 2થી વધુ મેચોની દ્વિપક્ષીય T20I સિરીઝ જીતી છે.
અગાઉ, બંને ટીમો વચ્ચેની 6 T20I સિરીઝમાં, ભારતને દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડ
પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું આ શાનદાર પ્રદર્શન મહિલા ક્રિકેટના ઈતિહાસમાં એક નવી સિદ્ધિ તરીકે નોંધાયું છે. હવે
બધાની નજર છેલ્લી મેચ પર છે, જ્યાં ભારતીય ટીમ આ સિરીઝ 4-1થી જીતવાનો પ્રયાસ કરશે. સિરીઝની 5મી
અને છેલ્લી મેચ 12 જુલાઈએ એજબેસ્ટન, બર્મિંઘમ ખાતે રમાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20I સિરીઝ
પછી, 3 મેચની ODI સિરીઝ પણ રમાશે, જે 16 જુલાઈથી સાઉથમ્પ્ટનમાં શરૂ થશે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં
પણ પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખવા માંગશે.