
જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. એજ રીતે આજે (31 મે 2025)ના રોજ પાકિસ્તાન સરહદથી જોડાયેલા ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને જમ્મુ કાશ્મીરમાં 'ઓપરેશન શિલ્ડ' મોક ડ્રીલ શરૂ થઈ છે. સાયરન વાગતા જ ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, બ્લેકઆઉટનો અમલ કરાશે.
ગુજરાતના વિવિધ જિલ્લામાં આજે શનિવારે (31 મે) સાંજના 5થી 8 વાગ્યા દરમિયાન સિવિલ ડિફેન્સ દ્વારા 'ઓપરેશન શીલ્ડ' અંતર્ગત મોક ડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવશે. ચાલો જાણીએ કયા જિલ્લામાં કયા સમયે થશે બ્લેકઆઉટ.
જિલ્લાવાર બ્લેકઆઉટનો સમય
રાજ્યમાં વડોદરા અને આણંદમાં 7:30 થી 7:45 વાગ્યા સુધી, બનાસકાંઠા અને અમદાવાદમાં 7:45 થી 8:15 વાગ્યા સુધી, ખેડા, તાપી, મહીસાગર, દાહોદ, ગોધરા(પંચમહાલ) મોડાસા(અરવલ્લી)માં 8:00 થી 8:15 સુધી, પાટણ, નવસારી, સુરત, ખેડા, કચ્છ, વલસાડ, અમરેલી, ગાંધીનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં 8:00 થી 8:30 વાગ્યા સુધી, રાજકોટમાં 8:30 થી 8:45 વાગ્યા સુધી અને જૂનાગઢમાં 8:30 થી 8:00 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે.
https://twitter.com/InfoGujarat/status/1928788329199243310
આ જગ્યાએ થશે મોક ડ્રીલ
રાજ્યભરમાં વિવિધ જિલ્લાની સાથે ગાંધીનગરના કરાઈ કેનાલ, લેકાવાડ, એર ફોર્સ સ્ટેશન(પાલજ) ખાતે, અમદાવાદના સાબરમતી કેનાલ, કેન્ટોનમેન્ટ, અસારવા સિવિલ, વિરમગામ પોલીસ લાઈન ખાતે, બનાસકાંઠાના નડાબેટ, જલોયામાં, વલસાડના તિથલ BAPS મંદિર ખાતે, સાબરકાંઠાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તમામ ન.પા. વિસ્તાર ખાતે, અરવલ્લીના પોલીસ ક્વાર્ટર, ન.પા.વિસ્તાર ખાતે, છોટા ઉદેપુરના બોડેલી ખાતે, કચ્છના સ્મૃતિ વન મ્યુઝિયમ (ભુજ) ખાતે મોક ડ્રીલનું આયોજન છે.
https://twitter.com/CollectorBharch/status/1928472931367055410
આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાઈટ એન્ડ સાઉન્ડ શો 8 વાગ્યે થશે
ગુજરાત સહિત દેશના સરહદ પરના રાજ્યમાં આજે શનિવારે (31 મે) મોક ડ્રીલ થવાની છે, ત્યારે સાંજના 7:30 થી 8:00 દરમિયાન બ્લેકઆઉટ થશે. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાતા પ્રોજેક્શન મેપિંગ (લેસર) શોનો નિર્ધારિત સમય સાંજે 7:30 કલાકનો છે, ત્યારે બ્લેકઆઉટને કારણે પ્રોજેક્શન મેપિંગ શોનું આયોજન 7:30 વાગ્યે થઈ શકે તેમ નથી. જેથી માત્ર 31 મે 2025ના દિવસે પ્રોજેક્શન મેપિંગનો સમય રાત્રે 8.00 કલાકનો રહેશે. જ્યારે નર્મદા મહાઆરતીનો સમય રાત્રે 8:45 કલાકનો રહેશે. SOU દ્વારા પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહાઆરતી સિવાયની કોઈપણ પ્રવૃત્તિ અથવા પ્રવાસન સ્થળના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.
પીપાવાવ કોસ્ટગાર્ડ સ્ટેશન પર મોકડ્રિલ યોજાઈ: ડ્રોન હુમલાનો કરાયો સામનો
અમરેલીના પીપાવાવ કોસ્ટગાર્ડ સ્ટેશન ખાતે એક વિસ્તૃત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં દુશ્મનો દ્વારા ડ્રોન હુમલાનું દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર ટીમ, SOG, પીપાવાવ મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ સહિતના વિવિધ સુરક્ષા દળોના અધિકારીઓ અને જવાનોએ પોતાની સજ્જતા દર્શાવી હતી.
અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા આ મહત્વના કોસ્ટગાર્ડ સ્ટેશન પર યોજાયેલી આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય સંભવિત ખતરાઓ સામે સંકલિત પ્રતિભાવ અને તત્પરતાનું મૂલ્યાંકન કરવાનો હતો.