
Shani Shingnapur Temple: મહારાષ્ટ્રના અહમદનગર (હવે અહિલ્યાનગર) જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ શનિ શિંગણાપુર મંદિરના ટ્રસ્ટ 'શ્રી શનિશ્ચર દેવસ્થાન' એ તાજેતરમાં જ શિસ્તભંગના કારણોસર 167 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓમાંથી 114 એટલે કે લગભગ 68% મુસ્લિમ છે. જોકે, ટ્રસ્ટે પોતાના સત્તાવાર નિવેદનમાં ધાર્મિક આધાર પર ભેદભાવનો ઈનકાર કર્યો છે અને જણાવ્યું કે આ પગલું કર્મચારીઓનું ખરાબ પ્રદર્શન અને લાંબા સમયથી ગેરહાજર રહેવાના કારણે લેવામાં ઉઠાવવામાં આવ્યું છે.
બે તબક્કામાં કરાઈ છટણી
આ છટણી બે તબક્કામાં કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 8 જૂનના રોજ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. બીજા તબક્કો 13 જૂનના રોજ પૂર્ણ થયો. આ કર્મચારીઓ છેલ્લા 2થી 10 વર્ષોથી મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા.
https://twitter.com/ians_india/status/1933477156132376852
'સકલ હિન્દુ સમાજ' સંગઠનની પ્રદર્શનની ચેતવણી
આ કાર્યવાહી પહેલા 'સકલ હિન્દુ સમાજ' નામના સંગઠને 14 જૂનના રોજ પ્રદર્શનની ચેતવણી આપી હતી. સંગઠને મંદિર પરિસરમાં ગેર-હિન્દુ કર્મચારીઓને હટાવવાની માગ કરી હતી. મે મહિનાના એક વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પેઈન્ટિંગનું કામ કરતો દેખાઈ રહ્યો છે. એવું કહેવાય છે કે, તે હિન્દુ નથી.
ધાર્મિક ભેદભાવનો ઈનકાર
દેવસ્થાનના CEO ગોરક્ષનાથ દરાંદલેએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, 'આ કાર્યવાહીમાં કોઈ પ્રકારનો ધાર્મિક ભેદભાવ કરવામાં નથી આવ્યો. આ સંપૂર્ણપણે શિસ્તબદ્ધ પગલું હતું. ટ્રસ્ટમાં 2,400થી વધુ કર્મચારીઓ છે, તેમાંથી ઘણા લોકો નિયમિત રીતે કામ પર નહોતા આવતા. પહેલા તેમનો પગાર રોકી દેવામાં આવ્યો હતો અને કારણ બતાવો નોટિસ પણ પાઠવવામાં આવી હતી.'
કયા વિભાગમાંથી હટાવ્યા કર્મચારી?
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કૃષિ, કચરા વ્યવસ્થાપન અને શિક્ષણ વિભાગોમાંથી કર્મચારીઓને હટાવવામાં આવ્યા છે. કેટલાક કર્મચારીઓ છેલ્લા 5 મહિનાથી કામ પર નહોતા આવી રહ્યા.