હાલના સમયમાં લગ્ન બાદ થતા વિવાદોના કેસો વધી રહ્યા છે ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ સલાહ આપી છે. જેમાં કોર્ટે કહ્યું હતું કે 'લગ્નમાં મળેલી ભેટોની યાદી બનાવવી જોઈએ અને તેના પર વર અને કન્યા બન્નેની સહી કરાવવી જરૂરી છે. જેનાથી લગ્ન પછી થતા વિવાદો અને મામલાઓમાં મદદ મળશે.' હાઈકોર્ટે દહેજ પ્રતિબંધ કાયદો, 1985ને ટાંકીને કહ્યું હતું કે 'આ કાયદામાં એવો પણ નિયમ છે કે વર-કન્યાને મળેલી ભેટની યાદી પણ બનાવવી જોઈએ. જેનાથી વર-કન્યાને શું મળ્યું હતું તે સ્પષ્ટ થશે. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે 'લગ્ન દરમિયાન મળેલી ભેટને દહેજના દાયરામાં રાખી શકાય નહીં.'

