પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારે ઉત્તર પ્રદેશની જેમ બુલડોઝર મોડેલ અપનાવીને ડ્રગ્સ તસ્કરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પટિયાલામાં પોલીસે મોટી કાર્યવાહી કરી અને એક મહિલા ડ્રગ્સ તસ્કરના બે માળના ઘરને બુલડોઝરથી તોડી પાડ્યું. તેની સામે NDPS એક્ટ હેઠળ અનેક કેસ નોંધાયેલા છે અને તે હાલમાં ફરાર હોવાનું કહેવાય છે. પંજાબમાં ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા આરોપીના ઘરને આ રીતે તોડી પાડવામાં આવ્યું હોય તેવું આ પહેલીવાર બન્યું છે.
પંજાબમાં આ પ્રકારનો પહેલો કિસ્સો
મળતી માહિતી અનુસાર, પોલીસે પટિયાલાના રોડિકુટ વિસ્તારમાં આ કાર્યવાહી કરી. અહીં રહેતી મહિલા ડ્રગ્સ તસ્કર રિંકીના બે માળના મકાનને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર, રિંકી લાંબા સમયથી ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલી હતી અને તેની સામે NDPS એક્ટ હેઠળ અનેક કેસ નોંધાયેલા છે. તેનો પતિ પણ આ ગેરકાયદે ધંધામાં સામેલ હતો, જેનું થોડા સમય પહેલા મોત થયું હતું.
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વહીવટીતંત્રે આ ઘર પહેલાથી જ ખાલી કરાવી દીધું હતું. પંજાબમાં આ પ્રકારનો પહેલો કિસ્સો હોવાનું કહેવાય છે, જ્યાં ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા વ્યક્તિના ઘરે આટલી કડક કાર્યવાહી કરવામાં આવી છે. પટિયાલા પોલીસના જણાવ્યાનુસાર, આરોપી મહિલા રિંકી હાલમાં ફરાર છે, પરંતુ પોલીસ તેની શોધ કરી રહી છે. રિંકી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 10 કેસ નોંધાયા છે.
'ડ્રગ્સ તસ્કરોને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે'
ઉલ્લેખનીય છે કે, પંજાબ સરકાર રાજ્યમાં ડ્રગ્સ વિરુદ્ધ સતત ઝુંબેશ ચલાવી રહી છે. આ માટે કેબિનેટ મંત્રીઓની એક ખાસ સમિતિની રચના કરવામાં આવી છે, જેનું નેતૃત્વ નાણામંત્રી હરપાલ સિંહ ચીમા કરે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, 'ડ્રગ્સ તસ્કરોને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે.'