
દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના બંગલામાંથી કેશનો ઢગલો મળી આવ્યા બાદ તેઓ ભારે વિવાદમાં ફસાયા છે. સુપ્રીમકોર્ટની કૉલેજીયને વર્માનો અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે, જોકે અલ્હાબાદ બાર એસોસીએશને તેનો વિરોધ કર્યો છે. એસોસીએશને કહ્યું કે, ‘અલ્હાબાદ હાઈકોર્ટ કચરા પેટી નથી.’ વાસ્તવમાં વર્માના સરકારી નિવાસસ્થાને આગ લાગી હતી. આ દરમિયાન આગ ઓલવવાનો પ્રયાસ કરાતા તેમના બંગલામાંથી કેશનો ઢગલો મળી આવ્યો છે, જેના કારણે વર્મા ભારે વિવાદમાં ફસાયા છે.
અલ્હાબાદ બાર એસો.એ પ્રસ્તાવ પસાર કરી વિરોધ નોંધાવ્યો
મીડિયા રિપોર્ટ મુજબ એસોસિએશને એક પ્રસ્તાવ પસાર કરીને કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની માહિતી મળતા અમને આશ્ચર્ય થયું છે.’ આ પ્રસ્તાવ પર એસો.ના અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ અનિલ તિવારીના હસ્તાક્ષર છે. પ્રસ્તાવમાં દાવો કરાયો છે કે, ન્યાયાધીશ વર્માના સરકારી મકાનમાંથી 15 કરોડ રૂપિયાની ગેરકાયદે રોકડ જપ્ત કરવામાં આવી હતી.’
https://x.com/ANI/status/1854773575926136893
અનિલ તિવારીએ કહ્યું કે, શું અલ્હાબાદ હાઈકોર્ટ કચરાપેટી છે? અલ્હાબાદ હાઈકોર્ટ ભ્રષ્ટાચારનો સખત વિરોધ કરે છે. અમે તેમનું (જસ્ટિસ યશવંત વર્મા) અહીં આવવા દઈશું નહીં. જો તે અહીં જોડાશે તો અમે કામ બંધ કરી દઈશું. અત્યારે અમે ફક્ત અમારો મત જણાવી રહ્યા છીએ. આ પછી, બાર એસોસિએશનનું એક ખૂબ મોટું જનરલ હાઉસ યોજાવા જઈ રહ્યું છે. અમે તેમને જણાવીશું કે અમારી માંગ શું છે. ત્યારબાદ જે પણ નિર્ણય લેવામાં આવશે તેની જાણ કરવામાં આવશે. હવે આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે જનરલ હાઉસમાં અમારી શું માંગણીઓ હોઈ શકે છે. તે સહમતિથી હોઈ શકે છે.
અમારી પહેલી માંગ એ રહેશે કે જસ્ટિસ યશવંત વર્માને અહીં ન મોકલવામાં આવે. બીજી માંગ એ છે કે હવે કોઈ તપાસની જરૂર નથી. જો જસ્ટિસ વર્મા કોઈ સ્પષ્ટતા આપે તો પણ તે લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકશે નહીં. જનતાના વિશ્વાસને ભારે નુકસાન થયું છે. જો જનતા ન્યાયતંત્રથી દૂર થઈ તો પબ્લિક માફિયાઓ પાસે જશે.
સુપ્રીમ કોર્ટે વર્માની તાત્કાલીક ટ્રાન્સફર કરી
વર્માના બંગલામાંથી રોકડનો ઢગલો મળી આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે તુરંત પગલાં ભર્યા છે. સુપ્રીમ કોર્ટે તાત્કાલીક વર્માની અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમના નિર્ણય પર સવાલ ઉઠાવતા અલ્હાબાદ બાર એસો.એ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટની કૉલેજિયમનો આ નિર્ણય એવો પ્રશ્ન ઉભો કરે છે કે, શું અલ્હાબાદ હાઈકોર્ટ એક કચરા પેટી છે? હાઈકોર્ટમાં પહેલેથી જ ન્યાયાધીશોની અછત હોવાના કારણે નવા કેસોની સુનાવણીમાં મહિનાઓથી વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ન્યાય વ્યવસ્થા પર પ્રજાનો ભરોસો ઓછો થઈ રહ્યો છે. ’
જસ્ટિમ વર્મા વિરુદ્ધ પ્રાથમિક તપાસ શરૂ
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતા હેઠળની સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે ન્યાયાધીશ વર્માને દિલ્હી હાઈકોર્ટમાંથી ખસેડી તેમના મૂળ અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ મામલે કૉલેજીયમે પ્રાથમિક તપાસ શરૂ કરી દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસે પ્રારંભિક રિપોર્ટ માંગ્યો છે.
મો બની હતી ઘટના?
સૂત્રોએ જણાવ્યું કે, જ્યારે બંગલામાં આગ લાગી ત્યારે યશવંત વર્મા શહેરમાં નહોતા. તેમના પરિવારના સભ્યોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. એટલા માટે રોકડનો ઢગલો સૌની સામે આવી ગયો હતો. આ મામલે રૅકોર્ડબુકમાં પણ મોટી માત્રામાં રોકડ મળ્યાની એન્ટ્રી કરાઈ હતી. માહિતી અનુસાર ફાયર બ્રિગેડના અધિકારીઓ જ્યારે આગ ઓલવવા પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને કેશનો ઢગલો મળી આવ્યો હતો. આ મામલે તાત્કાલિક CJIના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કૉલેજિયમને જાણ કરાઈ હતી, જેના બાદ યશવંત વર્માની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે.