
જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના ઉરી સેક્ટરમાં LoC પાસે ઘૂસણખોરીનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળોની ટીમે આતંકીઓ પાસેથી બે રાઇફલ અને એક IED જપ્ત કર્યો છે.
બારામુલ્લામાં 2 આતંકી ઠાર
સુરક્ષાદળોએ જાણકારી આપતા જણાવ્યું કે બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. ટીમે આતંકીઓ પાસેથી 2 AK સિરીઝની રાઇફલ અને એક IED બોમ્બ જપ્ત કર્યા છે.
આ વિશે જાણકારી આપતા આર્મીના ચિનાર કોપ્સે જણાવ્યું કે બુધવારે 2-3 યુઆઇ આતંકવાદી ઉરી નાલા, બારામુલ્લાના સામાન્ય વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં હતા ત્યારે નિયંત્રણ રેખા પર સતર્ક TPSએ તેમને રોક્યા હતા અને તે બાદ આતંકીઓએ સુરક્ષાદળની ટીમ પર ગોળીબાર કર્યો હતો.
સુરક્ષાદળોની ટીમે જવાબી કાર્યવાહી કરતા ઓપરેશન શરૂ કર્યું હતું અને એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર, દારૂગોળો અને યુદ્ધ જેવો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
પહેલગામમાં આતંકી હુમલામાં 25થી વધુ લોકોના મોત
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. 26 લોકોના મોત નીપજ્યા છે, જેમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ છે. જેમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક યુવકનું મોત નીપજ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા હતા. જ્યાં તેઓ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આજે તેઓ ઘાયલોની મુલાકાત કરશે.