
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભગવા સુનામીમાં આમ આદમી પાર્ટી ધોવાઈ ગઈ છે. દિલ્હીમાં AAP એ માત્ર સત્તા જ નહીં, પરંતુ તેના મોટા નેતાઓ પણ ચૂંટણી હારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. મનીષ સિસોદિયા પણ જંગપુરાથી પોતાની બેઠક બચાવી શક્યા નહીં. જોકે, CM આતિશી હારતા હારતા જીત મળી છે.
27 વર્ષે ભાજપને સત્તા
દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ ફરી એકવાર સત્તામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચના મતે, ભાજપે 4 બેઠકો જીતી છે અને 44 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 48 બેઠકો તેમની પાસે છે. આમ આદમી પાર્ટી (AAP) એ પણ 2 બેઠકો જીતી છે અને 20 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 22 બેઠકો છે. જ્યારે કોંગ્રેસને સતત ત્રીજીવાર એક પણ બેઠક મળી નથી.
દિગ્ગજો હાર્યા
આ ફેરફારમાં, AAPના અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી અને સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. તો મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતી ગયાં છે. સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હારી ગયા છે.મનીષ સિસોદિયા, જેમણે પોતાની પટપડગંજ બેઠક બદલીને જંગપુરાથી ચૂંટણી લડી હતી, તેઓ પણ હારી ગયા છે. દિલ્હીની ચૂંટણીમાં આખા દેશની નજર નવી દિલ્હી બેઠક પર હતી. અહીં, પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત અને પૂર્વ મુખ્યમંત્રી સાહબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ સાહબ સિંહ વર્મા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ભાજપની ટિકિટ પર મેદાનમાં હતા. આ બેઠકને દિલ્હીની ભાગ્યશાળી બેઠક પણ માનવામાં આવે છે. અહીં જે જીતે છે તે સત્તામાં પણ આવ્યો છે.