
કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ કોન્ફરન્સમાં એરસ્ટ્રાઇકની તમામ જાણકારી આપી હતી. ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, "માસૂમ પ્રવાસીઓ અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ દાયકાથી ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઇ રહ્યું હતું જે પાકિસ્તાન અને PoK બન્નેમાં ફેલાયેલુ છે. કર્નલ સોફિયાએ કહ્યું, 9 આતંકી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા અને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દાયકામાં પાકિસ્તાને વ્યવસ્થિત રીતે આતંકી ઢાંચાનું નિર્માણ કર્યું હતું જે આતંકીને સુરક્ષા પુરી પાડી રહ્યું છે. ઉત્તરમાં સવાઇ નાલા અને દક્ષિણમાં બહાવલપુરમાં સ્થિત ટ્રેનિંગ શિબિરને નિશાન બનાવવામાં આવ્યું છે.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે પુરતા ઇન્ટેલિજન્સ ઇનપુટ બાદ ઓપરેશન સિંદૂરને અંજામ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં લશ્કરના ટ્રેનિંગ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓએ અહીંથી ટ્રેનિંગ લીધી હતી. બરનાલા કેમ્પને પણ ધ્વસ્ત કરવામાં આવ્યો છે અને સિયાલકોટમાં મહમૂના કેમ્પને પણ નષ્ટ કરવામાં આવ્યો છે.
આ હુમલા દરમિયાન અમે ધ્યાન રાખ્યુ કે આતંકી જ માર્યા જાય અને કોઇ સામાન્ય નાગરિકને આ હુમલામાં નુકસાન ના પહોંચે. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ કહ્યું કે, અમે કોટલી અબ્બાસમાં આતંકી કેમ્પને નષ્ટ કર્યા છે. આ કેમ્પમાં 1500 આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સિવાય પાકિસ્તાની પંજાબના બહાવલપુર અને મહમૂના જોયામાં પણ આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે.
અજમલ કસાબને જ્યાં ટ્રેનિંગ મળી હતી તે આતંકી ઠેકાણાને પણ નષ્ટ કરાયો
મુરીદકેના મરકજ તૈયબાને પણ નષ્ટ કરવામાં આવ્યો છે. આ લશ્કરની ઓફિસ છે અને અહીંથી આતંકી અજમલ કસાબને ટ્રેનિંગ મળી હતી. સોફિયા કુરેશીએ જણાવ્યું કે અમે પાકિસ્તાનના કોઇ સૈન્ય ઠેકાણાને નુકસાન પહોંચાડ્યું નથી. આ સિવાય નાગરિકોને પણ કોઇ રીતનું નુકસાન થયું નથી. અમે ટાર્ગેટ એટેક કર્યો અને આ હુમલો સીધી રીતે આતંકી ઠેકાણાઓ પર હતો.