
કોંગ્રેસે બુધવારે (5 ફેબ્રુઆરી, 2025) કહ્યું કે, ગાઝાને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો હાલનો પ્રસ્તાવ અસ્વીકાર્ય છે અને નરેન્દ્ર મોદી સરકારને આ મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે X પર પોસ્ટ કરી કહ્યું કે, ગાઝાના ભવિષ્ય પર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો વિચાર વિચિત્ર, ખતરનાક અને સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે.
મોદી સરકાર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે: કોંગ્રેસ
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'બે દેશ વાળું સમાધાન જે સ્વતંત્રતા અને સન્માનમાં જીવન જીવવા માટે પેલેસ્ટિનિયન લોકોની સંપૂર્ણ રીતે કાયદેસર આકાંક્ષાઓને પૂર્ણ કરે છે અને સાથે સાથે ઇઝરાયલ માટે સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે તે પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિનો એકમાત્ર આધાર છે. મોદી સરકારે પોતાનું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ કરવું પડશે.'
જયરામ રમેશે કહ્યું કે, "અમેરિકાના રાષ્ટ્રપતિના આ વિચાર પર મોદી સરકારે પોતાની પ્રતિક્રિયા બિલકુલ સ્પષ્ટ કરવી જોઈએ. અન્ય દેશોની સરકારો પહેલાથી એવું કરી ચૂકી છે.'અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવાર (4 ફેબ્રુઆરી, 2025)એ જાહેરાત કરતા કહ્યું કે, 'અમેરિકા ગાઝા પટ્ટી પર પોતાનો માલિકી અધિકાર સ્થાપિત કરશે. અમેરિકા ગાઝા પટ્ટીનો કબજો લેશે અને ત્યાં આર્થિક વિકાસ કરશે જેનાથી લોકોને મોટી સંખ્યામાં રોજગાર અને રહેઠાણ મળશે.'
ગાઝા અંગે ટ્રમ્પનું સૂચન
ટ્રમ્પે એવું પણ સૂચન કર્યું હતું કે, અમેરિકા આ સ્થળનો વિકાસ કરશે, પરંતુ ત્યાં કોને રહેવાની મંજૂરી આપવામાં આવશે તે અંગે વધુ વિગતો આપી ન હતી. ટ્રમ્પે કહ્યું, 'અમેરિકા ગાઝા પટ્ટી પર કબજો કરશે. જેના પર અમારો અધિકાર હશે અને ત્યાં હાજર બધા ખતરનાક બોમ્બ અને અન્ય શસ્ત્રોને નિષ્ક્રિય કરવા, સ્થળને સમતળ કરવા અને નાશ પામેલી બિલ્ડિંગ્સને દૂર કરવાની અમારી જવાબદાર હશે.'
ટ્રમ્પે કહ્યું, 'પેલેસ્ટિનિયન લોકો પાસે કોઈ વિકલ્પ નથી, તેથી જ તેઓ ગાઝા પાછા જવા માંગે છે. આ (ગાઝા પટ્ટી) હાલમાં એક વિનાશકારી સ્થળ છે. દરેક ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. તેઓ તૂટી પડેલા કોંક્રિટના માળખા નીચે રહી રહ્યા છે, જે અત્યંત જોખમી છે.'