
લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ સામે નવો વિવાદ ઉભો થયો છે. દિલ્હીમાં જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિક સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. દિલ્હીમાં ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયે પણ આ પોસ્ટરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યું છે જે બાદ કોંગ્રેસ ફરી એક વખત ભાજપના નિશાના પર આવી ગયું છે. જોકે, દિલ્હી પોલીસે કાર્યવાહી કરતા આ પોસ્ટરને હટાવી દીધા છે. દિલ્હી પોલીસે આ પોસ્ટર મંડી હાઉસ સર્કલ પાસેથી હટાવ્યા છે.
પોસ્ટરમાં યાસીન મલિક સાથે મનમોહન સિંહ જોવા મળે છે અને યાસીન મલિકને છોડવાની માંગ સાથે કોંગ્રેસને મત આપવાની અપીલ કરવામાં આવી છે. દિલ્હીમાં 25 તારીખે મતદાન થવાનું છે. એવામાં પોસ્ટરમાં 25 મેએ મત આપવાની અપીલ કરવામાં આવી છે. જોકે, આ પોસ્ટર કોને લગાવ્યા તેના વિશે કોઇ જાણકારી મળી નથી.
મહત્ત્વપૂર્ણ છે કે યાસીન મલિક આતંકી ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. યાસીન મલિકની આગેવાની ધરાવતા જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ પર 15 માર્ચે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કેટલાક અન્ય ગ્રુપો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. દેશમાં યુપીએ સરકારના સમયે દિલ્હીમાં યાસીન મલિકે મનમોહન સિંહ સાથે મુલાકાત કરી હતી.
https://twitter.com/ANI/status/1785158444003000769
અમિત માલવીયાએ આ પોસ્ટરનો વીડિયો શેર કરતા લખ્યુ, દિલ્હીમાં કોંગ્રેસના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે. યાસીન મલિકને વર્ષ 2022માં દોષી ઠેરવવામાં આવ્યો હતો. તે બાદ એક વિશેષ કોર્ટે આતંકી ફંડિંગ કેસમાં તેને આજીવન કેદની સજા સંભળાવી હતી.
વર્ષ 2006ની છે તસવીર
મળતી માહિતી અનુસાર યાસીન મલિકે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે ફેબ્રુઆરી વર્ષ 2006માં મુલાકાત કરી હતી. આ મુલાકાત અલગાવવાદી નેતા, કાશ્મીરના અન્ય નેતાઓ અને સંગઠન સાથે રાઉન્ડ ટેબલ ટોક પહેલા કરવામાં આવી હતી. તે સમયે મનમોહન સિંહે યાસીન મલિકને પીએમ આવાસમાં બોલાવ્યો હતો. આ મુલાકાત સાથે જોડાયેલી તસવીર પહેલા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચુકી છે, ત્યારે પણ કોંગ્રેસ નિશાના પર આવી હતી.