
ઘણા દિવસોથી મહાકુંભમાંથી પરત ફરતા શ્રદ્ધાળુઓના અકસ્માતના સમાચાર સામે આવે છે. જેમાં કેટલાકના ગંભીર રીતે ઘાયલ થયાના તો કેટલાકના મૃત્યુના પણ સમાચાર આવ્યા છે. આવી જ ઘટના બિહારમાં બની છે. બિહારના આરામાં માર્ગ અકસ્માતમાં મહાકુંભમાંથી પરત ફરતા પરિવારનો અકસ્માત થતા એકસાથે 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ ઘટના શુક્રવારે (21 ફેબ્રુઆરી) વહેલી સવારે આરા-મોહનિયા નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ પાસે થઈ હતી. અહીં એક ઊભેલા ટ્રકને પાછળથી કારે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો ભૂકો બોલાઈ ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર તમામ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.
અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસે તમામ મૃતકોને બહાર કાઢ્યા. મોતને ભેટેલા તમામ લોકો એક જ પરિવારના હતા. પરિવાર પટણાના જક્કનપુરનો રહેવાસી હતો અને પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરીને પરત ફરી રહ્યો હતો. મૃતકોના પરિવારજનોએ જણાવ્યું કે, તમામ લોકો ગુરૂવારે (20 ફેબ્રુઆરી) મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ ગયા હતા. શુક્રવારે (21 ફેબ્રુઆરી) સવારે ઝોકું આવી જવાથી કાર ટ્રક સાથે અથડાઈ હતી.
https://twitter.com/ians_india/status/1892801778577482106
મૃતકોમાં 4 મહિલા અને 2 પુરૂષ
જણાવી દઈએ કે, મૃતકોમાં 4 મહિલા અને 2 પુરૂષ છે. પટણાના જક્કનપુર સ્થિત સુદામા કોલોની નિવાસી વિશુન દેવ પ્રસાદના દીકરા સંજય કુમાર, પત્ની કરૂણા દેવી, દીકરા લાલ બાબૂ સિંહ તેમની ભત્રીજી પ્રિયમ કુમારી છે. આ સિવાય પટણાના કુંભાર નિવાસી આનંદ સિંહની દીકરી આશા કિરણ, ચંદ્રભૂષણ પ્રસાદની દીકરી જૂહી રાની અકસ્માતમાં મોતને ભેટ્યા છે.
ઝોકું આવતા 6 લોકોના મોત થયા
મૃતક સંજયના ભાઈએ જણાવ્યું કે, બુધવારે એક સ્કોર્પિયોથી 7 લોકો અને બલેનો કારથી પતિ-પત્ની, દીકરા, ભત્રીજા સહિત 6 લોકો પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સ્નાન માટે ગયા હતા. પ્રયાગરાજથી પરત ફરતા સમયે સંજય કુમારના દીકરા લાલ બાબુ ગાડી ચલાવી રહ્યા હતા. આ દરમિયાન લાલ બાબુને ઊંઘનું ઝોકું આવી ગયું. જેથી ગાડી રસ્તાના કિનારે ઊભા ટ્રક સાથે અથડાઈ હતી. મૃતકના ભાઈએ જણાવ્યું કે, જતાં સમયે પણ લાલ બાબુને ઊંઘનું ઝોકું આવી ગયું હતું.