
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ગઈકાલે લોકસભામાં વક્ફ બિલને મંજૂરી મળતાં ટીકા કરી છે. તેમણે વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. CM સ્ટાલિને તમિલનાડુ વક્ફ બિલ પર મજબૂત લડત આપશે અને સફળતા મેળવશે તેવી ખાતરી પણ આપી છે.
તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમે વક્ફ બિલની ટીકા કરીએ છીએ. તમિલનાડુ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં લડશે અને આ લડાઈમાં સફળતા મેળવશે. લોકસભામાં બિલને મંજૂરીના વિરોધમાં ડીએમકેના ધારાસભ્યોએ વિધાનસભામાં કાળી પટ્ટીઓ બાંધી રોષ વ્યક્ત કર્યો હતો.
આ બિલ ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડશે
મુખ્યમંત્રી સ્ટાલિને સદનને યાદ અપાવ્યું કે, 27 માર્ચે તમિલનાડુ વિધાનસભામાં વક્ફ સંશોધન બિલને પાછું ખેંચવાનો આગ્રહ કરતાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, આ બિલ ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડે છે. અને લઘુમતી મુસ્લિમ સમુદાય પર પ્રતિકૂળ અસર ઉભી કરે છે. ભારતભરમાં મોટાભાગના રાજકીય પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો છે. તેમ છતાં લોકસભામાં તેને મંજૂરી મળી. તે અત્યંત નિંદનીય છે. ભલે તેને લોકસભામાં મંજૂરી મળી હોય પરંતુ તેની વિરૂદ્ધ પણ મોટી સંખ્યામાં મત પડ્યા હતા, તેને નજરઅંદાજ કરી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે, લોકસભામાં કુલ 288 સાંસદોએ વક્ફ સુધારા બિલ 2025ને મંજૂરી આપી છે, જ્યારે 232 સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો. આ આંકડાને ધ્યાનમાં લેતાં સ્ટાલિને કહ્યું કે, વિપક્ષ વધુ મજબૂત બની શકતો હતો. આ કાયદો સંપૂર્ણપણે પરત લેવામાં આવશે. બિલને મંજૂર કરવાનો સમય અને રીતની પણ ટીકા કરી છે.
બિલ મંજૂર કરવાનો સમય અને રીત ખોટી
સ્ટાલિને કહ્યું કે, દેશના મોટાભાગના રાજકીય પક્ષોના વિરોધને નજરઅંદાજ કરતાં મોડી રાત્રે બે વાગ્યે આ સંવેદનશીલ કાયદો રજૂ અને મંજૂર કરવાની રીત ખોટી છે. તે બંધારણ પર સીધો પ્રહાર છે. અને સાંપ્રદાયિક સદ્ભાવના બગાડવાનો પણ પ્રયાસ છે. અમે આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું, તેની વિરૂદ્ધ કાયદાકીય અને રાજકીય લડાઈ ચાલુ રાખીશું.
લોકસભામાં 12 એપ્રિલની લાંબી ચર્ચા બાદ વક્ફ સુધારા બિલ 2025ને મંજૂરી મળી છે. વિપક્ષે તેને મુસ્લિમ વિરોધી અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો માટે હાનિકારક ગણાવ્યું છે. જ્યારે સરકારે તેને લઘુમતી માટે કલ્યાણકારી ગણાવ્યું છે.