Home / India : Fact Check- What is the truth of Manmohan Singh's statement on Muslims 18 years ago?

FACT CHECK: ‘દેશની સંપત્તિ પર પ્રથમ અધિકાર મુસ્લિમોનો છે’, મનમોહન સિંહના 18 વર્ષ જૂના નિવેદનનું શું છે સત્ય?

FACT CHECK: ‘દેશની સંપત્તિ પર પ્રથમ અધિકાર મુસ્લિમોનો છે’, મનમોહન સિંહના 18 વર્ષ જૂના નિવેદનનું શું છે સત્ય?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિને મુસ્લિમોમાં વહેંચી નાખશે. આ દરમિયાન પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના 2006ના એક નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીનો દાવો છે કે મનમોહન સિંહે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પ્રથમ હક મુસ્લિમોનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહના અડધા અધુરા નિવેદનને રજૂ કરીને મતદારોને લલચાવવાનો પ્રયાસ કર્યો છે. મનમોહન સિંહના લઘુમતીઓ પર 18 વર્ષ પહેલા આપવામાં આવેલા નિવેદનને પીએમ મોદીએ ચૂંટણી મુદ્દો બનાવી દીધો છે.

મનમોહન સિંહે શું કહ્યું હતું?

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 9 ડિસેમ્બર, 2006માં 11મી પંચવર્ષીય યોજના અને વિકાસ પર ચર્ચા માટે રાષ્ટ્રીય વિકાસ પરિષદ (NDC)ની 52મી બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં સમાજના તમામ પછાત અને લઘુમતી વર્ગોના વિકાસમાં સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તેમના સશક્તિકરણની વાત કરી હતી.

મનમોહન સિંહે રાષ્ટ્રીય વિકાસ પરિષદની બેઠકને સંબોધિત કરતા કહ્યું હતું કે, “મારૂ માનવું છે કે અમારી સામુહિક પ્રાથમિકતા ઘણી સ્પષ્ટ છે. કૃષિ, સિંચાઇ અને જળ સંસાધન, સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ, લઘુમતી, મહિલાઓ અને બાળકોના વિકાસ માટે કાર્યક્રમ અમારી પ્રાથમિકતા છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે યોજનાઓને નવેસરથી તૈયાર કરવાની જરૂર છે. આપણે આ સુનિશ્ચિત કરવા માટે નવી યોજનાઓ બનાવવી પડશે કે લઘુમતીઓ, વિશેષ રીતે મુસ્લિમોને વિકાસમાં સમાન ભાગીદારી મળે.સંસાધનો પર પ્રથમ હક તેમનો જ હોવો જોઇએ.”

PMOએ કરવી પડી હતી સ્પષ્ટતા

તે સમયે પણ મનમોહન સિંહના નિવેદન પર વિવાદ થયો હતો. તે બાદ 10 ડિસેમ્બરે વડાપ્રધાન ઓફિસ (PMO) તરફથી સ્પષ્ટતા કરવી પડી હતી. આ સ્પષ્ટતામાં કહેવામાં આવ્યું કે પીએમે લઘુમતીઓના સશક્તિકરણની વાત કરી છે પરંતુ તેને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તામાં આવે છે તો તે લોકોની સંપત્તિને મુસ્લિમોમાં વહેંચી નાખશે. પીએમ મોદીએ કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકારે કહ્યું હતું કે, દેશની સંપત્તિ પર પ્રથમ અધિકાર મુસ્લિમોનો છે.