
મહિલાના ગાલ, શરીરને બળજબરી સ્પર્શ કરીને હેરાનગતિ કરનાર 65 વર્ષીય વ્યક્તિને ગિરગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટે એક વર્ષની સખત કેદની સજા અને એક હજારનો દંડ ફટકાર્યા હતા.
સરકારી પક્ષના જણાવ્યા અનુસાર આરોપી તારદેવનો રહેવાસી છે. 20 ડિસેમ્બર 2023 ના રોજ સંબંધીત મહિલા લિફ્ટમા પોતાના ઘરે નવમા માળે જતી હતી ત્યારે આરોપી લિફ્ટમાં આવ્યો અને તમે ક્યાં રહો છો એમ પૂછતાં મહિલાએ નવમા માળે એમ જવાબ આપ્યો હતો. બાદમાં આરોપીએ તેનો હાથ પકડીને તેના ગાલને સ્પર્શ કર્યો હતો. બાદમાં છઠ્ઠા માળે તે જતો રહ્યો હતો. મહિલાએ આરોપીના આવા કૃત્ય બદલ પોલીસ ફરિયાદ કરી હતી.
ઘટના સીસીટીવીમાં કેદ થઈ
આરોપી અને પીડિતા એક જ ઈમારતમાં રહે છે. આરોપીએ તેને લિફ્ટમાં 'તુ મારા ઘરે આવ, નહીં તો હું તારા ઘરે આવીશ,' એવી ધમકી આપી હતી.આથી મહિલા ગભરાઈ હતી. આરોપીએ મહિલાના ગાલને સ્પર્શ કર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.
આરોપીના વકિલે વાંધો ઉઠાવીને પેન ડ્રાઈવ રજૂ કરતી વખતે પોલીસે આઈટી એક્ટ હેઠળ પ્રમાણપત્ર રજૂ કર્યું નહોવાની દલીલ કરી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી. પોલીસે કાયદા અનુસાર પ્રમાણપત્ર રજૂ કર્યું નહોય તો પણ ફરિયાદીએ પોતાના નિવેદનમાં આરોપીએ કરેલા સ્પર્શનો ઉલ્લેખ કર્યો છે. સીસીટીવી ફટેજના પુરાવા કરતાં ફરિયાદીએ આપેલા મૌખિક પુરાવો મહત્ત્વનો છે. ટેકનિકલ બાબતો કરતાં ફરિયાદીનું નિવેદન મહત્ત્વનું છે. આરોપીએ જાતીય સતમાણી કરી છે, એવું નિરીક્ષણ મેજિસ્ટ્રેટ એસ. યુ. દેશમુખે કર્યું હતું.