
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને દલિતોના અપમાનને લઈને ભાજપે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. BJPના નેતા અને આઈટી સેલના વડા અમિત માલવિયાએ એક વિડિયો શેર કર્યો છે. જેમાં મલ્લિકાર્જુન ખડગે ખુરશી પર અલગથી બેઠેલા જોવા મળે છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સોફા પર બેઠેલા છે. ભાજપે તેને દલિતોનું અપમાન ગણાવ્યું છે.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે BJPને દલિત વિરોધી કહેવામાં આવ્યો અને એવો આરોપ મૂક્યો કે, વિપક્ષના નેતા જ્યારે ટીકા રામ જુલી રામ મંદિર ગયા, ત્યારે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યએ તે મંદિર ધોયું હતું. રાહુલ ગાંધીએ કોંગ્રેસની આ પોસ્ટ શેર કરીને લખ્યું કે આ ભાજપની દલિત વિરોધી અને મનુવાદી વિચારસરણીનું બીજું ઉદાહરણ છે!
https://twitter.com/khurpenchh/status/1909695478503293059
રાહુલે મનુસ્મૃતિને લઈને ભાજપ પર પ્રહારો કર્યા હતા
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ભાજપ સતત દલિતોનું અપમાન કરી રહ્યો છે અને બંધારણ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. ફક્ત બંધારણનું સન્માન જ નહીં, પણ તેનું રક્ષણ પણ કરવું મહત્વપૂર્ણ છે. રાહુલ ગાંધીએ લખ્યું કે મોદીજી, દેશ બંધારણ અને તેના આદર્શો દ્વારા ચાલશે, મનુસ્મૃતિ દ્વારા નહીં જે બહુજનને બીજા વર્ગના નાગરિક માને છે.
અમિત માલવિયાએ રાહુલ પર હુમલો કર્યો
રાહુલ ગાંધીની આ પોસ્ટ ઉપર ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ મલ્લિકાર્જુન ખડગે ખુરશી પર બેઠેલા અને રાહુલ- સોનિયા સોફા પર બેઠેલા છે તેવો એક વીડિયો શેર કર્યો. અમિત માલવિયાએ લખ્યું કે, પહેલા ખડગેજીનું સન્માન કરતા શીખો. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. પોતાની ખુરશી સાઈડમાં અલગ રાખવાનો અર્થ શું છે? આ જ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોંગ્રેસ દલિત વિરોધી છે.
અમિત માલવિયા ઉપરાંત, ભાજપના અન્ય નેતાઓ પણ કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે. જોકે, આ મામલે કોંગ્રેસ પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.