
સંસદમાં વક્ફ બિલ પર ચર્ચા પહેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવીછે. આ અંગે ડીજીપી પ્રશાંત કુમારના નામે જારી કરાયેલા આદેશમાં કહેવાયું છે કે, અધિકારીઓ અને કર્મચારીઓ રજા પર જઈ ચૂક્યા છે તે તાત્કાલિક પરત ડ્યૂટી ઉપર હાજર થાય. આદેશમાં સ્પષ્ટ કહેવાયું છે કે, ખાસ પરિસ્થિતિઓમાં જ રજા મંજૂર કરવામાં આવશે.
યુપીના ડીજીપી પ્રશાંત કુમારે જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના ઉદ્દેશ્યથી પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવે છે. યુપી પોલીસના તમામ ગેઝેટેડ અધિકારીઓ અને નોન-ગેઝેટેડ કર્મચારીઓની તમામ પ્રકારની રજા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. રજા પર ગયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક પોતપોતાના ફરજ સ્થળોએ હાજર થઈ જવું. સંજોગોવસાત સક્ષમ અધિકારી દ્વારા જ રજા મંજૂર કરાશે. ડીજીપી ઓફિસે આ આદેશ તમામ અધિકારીઓને મોકલ્યો છે.
જણાવી દઈએ કે વકફ બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ પર સંસદમાં આઠ કલાક ચર્ચા થશે. વકફ સુધારા બિલ અંગે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંસદમાં ચર્ચા પહેલા જ ઉત્તર પ્રદેશમાં હાઇ એલર્ટ છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી છે.