એકતરફ ભારતીય રેલવે દેશભરમાં તમામ ખૂણેખાચરે ટ્રેનો દોડાવી રહી છે, તો બીજીતરફ બુલેટ ટ્રેનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે હવે ભારત પરિવહન સિસ્ટમ ક્ષેત્રે નવી દિશામાં આગળ વધીને હાઈપરલૂપની તૈયારીઓ કરી રહ્યું છે. વાસ્તવમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) મદ્રાસમાં મહત્વકાંક્ષી હાઈપરલૂપ પ્રોજેક્ટ ડેવલપ થઈ રહ્યો છે, જે અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે.
ભારતમાં બનશે વિશ્વની સૌથી લાંબી હાઈપરલૂપ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘પ્રોજેક્ટ હેઠળ એશિયાની સૌથી લાંબી હાઈપરલૂપ ટ્યૂબ તૈયાર કરાશે, જેની લંબાઈ 410 મીટર હશે અને તે ટૂંક સમયમાં વિશ્વની સૌથી લાંબી હાઈપરલૂપ બની જશે.’ રેલવે મંત્રીએ શનિવારે (15 માર્ચ) આઈઆઈટી મદ્રાસમાં હાઈપરલૂપ પ્રોજેક્ટનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે, હાઈપરલૂપ પ્રોજેક્ટ માટેના ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ ટેકનોલોજી ચેન્નાઈ સ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં ડેવલપ કરવામાં આવશે.
https://twitter.com/AshwiniVaishnaw/status/1901099658837193120
પ્રતિ કલાક 1000 કિલોમીટરની ગતિ
રેલવે મંત્રીએ આજે (16 માર્ચ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કર્યો છે. તેમાં તેમણે આઈઆઈટી મદ્રાસ પરિસરમાં પોતાની મુલાકાત એક વીડિયો શેર કરીને કહ્યું કે, ‘એશિયાની સૌથી લાંબી હાઈપરલૂપ ટ્યૂબ (410 મીટર) ટૂંક સમયમાં વિશ્વની સૌથી લાંબી હશે. હાઈપરલૂપને પરિવહનની પાંચમી રીત માનવામાં આવે છે. આ એક હાઈ-સ્પીડ ટ્રેન છે, જે લગભગ વૈક્યૂમ ટ્યૂબમાં દોડાવવામાં આવે છે. લો એયર રેજિસ્ટેન્સ ટ્યૂબની અંદર કેપ્સૂલ પ્રતિ કલાક 1000 કિલોમીટરની ગતિએ દોડી શકે છે. રેલવે મંત્રાલયે મે-2022માં હાઈપરલૂપ પરિવહન સિસ્ટમ અને તેની અન્ય સિસ્ટમને ભારતમાં વિકસાવવા માટે અને માન્યતા આપવા માટે આઈઆઈટી મદ્રાસને 8.34 કરોડ રૂપિયાની ભંડોળ ફાળવવા મંજૂરી આપી હતી.
પ્રથમ હાઇપરલૂપ ક્યાં દોડાવાશે?
ભારતની પ્રથમ હાઈપરલૂપ ટ્રેન મુંબઈ અને પુણે વચ્ચે દોડી શકે છે. જેમાં 150 કિલોમીટરની સફર માત્ર 25 મિનિટમાં પૂર્ણ કરાશે. હાયપરલૂપની ખાસ વાત એ છે કે, ટ્રેન બે સ્ટેશનો વચ્ચે ક્યાંય રોકાતી નથી. મહારાષ્ટ્ર સરકારે હાઈપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.