
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ(India-Pakistan tensions) અત્યાર સુધીની ચરમસીમાએ છે. ભારતના શક્તિશાળી હુમલાથી પાકિસ્તાનનો ઘમંડ ચકનાચૂર થઈ ગયો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના બે JF-17 અને એક F-16 ફાઇટર જેટને તોડી પાડ્યા છે. ઉપરાંત, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પાકિસ્તાન વાયુસેનાનું AWACS વિમાન પણ નષ્ટ થઈ ગયું હતું. આ બધા વચ્ચે, સાવચેતીના પગલા તરીકે, દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
ઐતિહાસિક ઇમારતોની સુરક્ષા વધારી દેવામાં આવી
ઐતિહાસિક ઇમારતો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. લાલ કિલ્લા, કુતુબ મિનાર પાસે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઐતિહાસિક ઇમારતો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, તેથી સાવચેતીના પગલા રૂપે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સીસીટીવી કેમેરા દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતાં, દિલ્હીના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ
સેનાના હવાઈ સંરક્ષણ એકમોએ સરહદ પર પાકિસ્તાનના ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને ગુરુવારે જમ્મુમાં હવાઈ પટ્ટી પર રોકેટ છોડ્યા. જોકે, ભારતીય સેનાની સતર્કતા અને તેની શક્તિશાળી હવાઈ સંરક્ષણ પ્રણાલીએ આ હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો.
ખાસ વાત એ છે કે જ્યારે પાકિસ્તાન યુદ્ધના મેદાનમાં ઉતર્યું તો તે પણ ચીની માલસામાન સાથે, જેનું પરિણામ તેને થોડા કલાકોમાં જ ભોગવવું પડ્યું. હકીકતમાં, પાકિસ્તાનને કેટલાક ચીની શસ્ત્રો પર ખૂબ ગર્વ હતો, જે થોડા કલાકોમાં જ જમીનદોસ્ત થઇ ગયા અને ભારતે તેના ચીની શસ્ત્રોનો નાશ કર્યો.