જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પર ચર્ચા માટે સોમવારે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે બેસરન ઘાટીમાં 21 વર્ષ પછી આટલા મોટા પાયે હુમલો કરવામાં આવ્યો છે. યજમાન હોવાને કારણે પ્રવાસીઓને સુરક્ષિત પરત મોકલવા મારૂ પ્રથમ કર્તવ્ય હતું પરંતુ હું આમ ના કરી શક્યો. મારી પાસે માફી માંગવા માટે શબ્દ નથી.
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ શું કહ્યું?
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હુમલામાં જાન ગુમાવનારા પ્રવાસીઓ અને તેમના રાજ્યોના નામ વાચતા કહ્યું, "અમે પહેલા પણ આવા કેટલાક હુમલા થતા જોયા છે. અમરનાથ યાત્રાના કેમ્પ પર અને ડોડાના ગામોમાં લોકો પર હુમલા થતા જોયા છે. બેસરન ઘાટીમાં 21 વર્ષ પછી આટલો મોટા પાયે હુમલો કરવામાં આવ્યો છે. મને નથી ખબર કે મૃતકોના પરિવારોની કેવી રીતે માફી માંગું. મારી પાસે માફી માંગવા માટે પણ શબ્દ બચ્યા નથી."
પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગવાનો આ યોગ્ય સમય નથી: ઓમર અબ્દુલ્લાહ
વિશેષ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું, 'સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવનારા લોકોએ સમજવું જોઈએ કે તે લોકોના જીવનને કેટલું મુશ્કેલ બનાવે છે. આપણે બંદૂકોથી આતંકવાદને નિયંત્રિત કરી શકીએ છીએ, પરંતુ તેને નાબૂદ કરી શકાતો નથી. આ જમ્મુ અને કાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી છે. આ એવો સમય નથી જ્યારે આપણે જમ્મુ-કાશ્મીર માટે કેન્દ્ર સરકાર પાસેથી પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ કરીએ. અમે આવી સસ્તી રાજનીતિ નથી કરતા. જમ્મુ અને કાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી છે કે તેઓ ખાતરી કરે કે વાતાવરણ સારું રહે અને મહેમાનોને કોઈ નુકસાન ન થાય.'
અબ્દુલ્લાએ કહ્યું, 'આ પ્રસંગે હું જમ્મુ અને કાશ્મીર માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગીશ નહીં. હું કયા મોઢે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી શકું? આપણે હંમેશા રાજ્યનો દરજ્જો માંગીશું પણ જો હું આજે આવી માંગ કરીશ તો મારા પર લાનત છે.'વિધાનસભામાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, 'આ પ્રસંગે હુમલાની સખત નિંદા કરતા અમે ફક્ત એક જ વાત કહીએ છીએ કે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના તેમની સાથે છે.'
ઓમર અબ્દુલ્લાએ સ્થાનિક લોકોની મદદની પણ પ્રસંશા કરી
ઓમર અબ્દુલ્લાએ હુમલા પછી સ્થાનિક લોકોની ભૂમિકાની પ્રશંસા કરતા કહ્યું કે, 'હોટલ સ્ટાફે તેમના રૂમ છોડી દીધા અને તેમને અહીં રહેવાનું કહ્યું. ઓટો ચાલકોએ કહ્યું કે અમે તમને પૈસા વગર જ્યાં પણ જવા માંગો છો ત્યાં મૂકી જઈશું. હું આવી કાશ્મીરીયતને સલામ કરું છું. આ આપણી મહેમાનગતિ છે. પોતાના જીવની પરવા કર્યા વિના, આદિલે તેનો જીવ બચાવ્યો, સ્થાનિક લોકોએ મદદ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. આ તક આતંકવાદના અંતની શરૂઆત છે. એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જે આપણા પ્રિયજનોને દૂર લઈ જાય.'
સુરક્ષા એજન્સીઓ ચૂક માટે જવાબદાર
કોંગ્રેસના ધારાસભ્ય ગુલામ અહમદ મીરે કહ્યું કે આતંકી હુમલાથી તમામ સ્તબ્ધ અને દુ:ખી છીએ અને નિંદા કરીએ છીએ. તે આ મુદ્દા પર સર્વપક્ષીય બેઠક બોલાવવા માટે સરકારના પગલાની પ્રશંસા કરીએ છીએ. તમામ પક્ષોએ સરકારને પોતાનું સમર્થન આપ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશની કાયદા અને વ્યવસ્થા કેન્દ્ર સરકારના આધીન છે. એવામાં સુરક્ષા એજન્સીઓને આ ચૂક માટે જવાબદાર ઠેરવવી જોઇએ. તે સરકારના દરેક પગલાનું સમર્થન કરશે.