
પ્રથમ વખત IPLમાં ચેમ્પિયન બનનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની જીતની ઉજવણી મોટી દૂર્ઘટનામાં બદલાઇ હતી. RCB ખેલાડીઓના સ્વાગતમાં બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભેગી થયેલી ભીડમાં ભાગદોડ થતા 11 લોકોના મોત થયા હતા જ્યારે 33 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે અને મુખ્યમંત્રીનું રાજીનામુ માંગ્યું છે. બીજી તરફ કર્ણાટક હાઇકોર્ટે પણ આ ઘટનામાં સ્વત:સંજ્ઞાન લીધુ છે અને 2:30 વાગ્યે સુનાવણી માટે તૈયાર થઇ છે.
કર્ણાટકના મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી સામે ફરિયાદ
સામાજિક કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાએ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયમ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને ક્રિકેટ બોર્ડના પદાધિકારીઓ પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કર્ણાટકના મુખ્યમંત્રીએ શું કહ્યું?
ઘટના બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, 'હું આ ઘટનાનો બચાવ ના કરી શક્યો પરંતુ દેશમાં પહેલા પણ કેટલીક મોટી દૂર્ઘટના થઇ છે જેમ કે કુંભ મેળામાં 50-60 લોકોના જીવ ગયા હતા. જોકે, તેનો અર્થ એવો નથી કે અમે જવાબદારીથી બચીયે.'
જવાબદારો સામે કાર્યવાહી થશે- કર્ણાટકના ગૃહમંત્રી
કર્ણાટકના ગૃહમંત્રી ડૉ.જી પરમેશ્વરે કહ્યું, 'મુખ્યમંત્રીએ આ દૂર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. જ્યારે રિપોર્ટ આવશે તો પણ દોષી ઠેરવવામાં આવશે, તેના વિરૂદ્ધ કાર્યવાહી થશે.'
https://twitter.com/ANI/status/1930492519634358691
આ દૂર્ઘટના નહીં, સરકારની બેદરકારી-સંબિત પાત્રા
બેંગલુરૂ ભાગદોડની ઘટના પર ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, 'આ માત્ર દૂર્ઘટના નહતી પણ સરકારની બનાવેલી ભાગદોડ હતી. મુખ્યમંત્રી કહી રહ્યા છે કે આવી દૂર્ઘટના થતી રહે છે? શું 11 લોકના મોતને સામાન્ય ગણવામાં આવી શકે છે? ભાજપના સાંસદે કહ્યું કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે મતભેદને કારણે આ દૂર્ઘટના બની. સ્ટેડિયમની ક્ષમતા 35 હજાર છે છતા પણ 3 લાખ લોકો કેવી રીતે પહોંચ્યા?
સંબિત પાત્રાએ સવાલ ઉઠાવ્યો કે પોલીસે પરવાનગી આપી નહતી છતા પણ કાર્યક્રમનું આયોજન કેમ થયું? પોલીસ અને આયોજકો વચ્ચે તાલમેલ કેમ નહતો? સૌથી દુ:ખની વાત આ છે કે જ્યારે લોકો મરી રહ્યા હતા ત્યારે પણ કાર્યક્રમ ચાલતો રહ્યો.
https://twitter.com/ANI/status/1930490185441009928
ભાજપે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી શિવકુમારનું રાજીનામુ માંગ્યુ
ભાજપના નેતા આર.અશોકે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના રાજીનામાની માંગ કરી છે. આર.અશોકે આરોપ લગાવ્યો કે આ દૂર્ઘટના કોઇ સામાન્ય ઘટના નથી પણ રાજ્ય પ્રાયોજિત હત્યા છે. અશોકે કહ્યું કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે ક્રેડિટ લેવાની રેસને કારણે આ અવ્યવસ્થા થઇ હતી.અશોકે એવો પણ આરોપ લગાવ્યો કે શિવકુમારે મેદાન પર રહીને વ્યવસ્થા જોવી જોઇતી હતી પરંતુ તે એરપોર્ટ જઇને ફોટો ખેચાવી રહ્યા હતા. અશોકે કહ્યું- સ્ટેડિયમ જેવી ભીડભાડ ધરાવતા વિસ્તારમાં ના તો એમ્બ્યુલન્સ હતી કે ના તો ફાયર બ્રિગેડ. પોલીસ પણ અંતિમ સમય સુધી નક્કી કરી શકી નહતી કે પરેડ થશે કે નહીં થાય.