
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહાર મતદાર યાદી ચકાસણી (SIR) અને મણિપુર મુદ્દે પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. ઓડિશામાં એક જાહેર સભામાં તેમણએ કહ્યું કે, પીએમ મોદીનો એજન્ડા દેશના બંધારણને નાબૂદ કરવાનો છે. "જો બંધારણ નાબૂદ કરવામાં આવે તો તમારો મતદાનનો અધિકાર છીનવાઈ જશે. તમે જાતે જ જોઈ લો કે, મહારાષ્ટ્રમાં બનેલી સરકાર ચોરી કરેલી સરકાર છે.
પીએમ પાસે વિદેશ પ્રવાસનો સમય પરંતુ મણિપુર કેમ નથી જતાઃ ખડગે
પીએમ મોદીને પડકાર ફેંકતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, તમારી પાસે મણિપુર જવાની હિંમત નથી. રાહુલ ગાંધી મણિપુર જઈ શકે છે. પીએમ મોદી આજ સુધી મણિપુર ગયા નથી પરંતુ વિદેશ પ્રવાસ કરે છે. મણિપુરમાં ઘરો સળગી રહ્યા છે. બાળકોને શિક્ષણ મળી રહ્યું નથી, શાળાઓ બંધ છે, પરંતુ પીએમ ત્યાં પગ મુકતા નથી.
'પીએમ મોદી પાકિસ્તાનમાં આમંત્રણ વગર જાય છે'
તેમણે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન તો આમંત્રણ વિના પહોંચી જાય છે. ત્યાંના નેતાઓને ગળે લગાવે છે. પરંતુ મણિપુરની અવગણના કરે છે. દેશ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. પરંતુ તેમને ફક્ત એ જ ચિંતા છે કે કોણ તેમને આમંત્રણ આપશે અને ફૂલહાર કરશે. હું કયા દેશમાં જઈને સર્વોચ્ચ પુરસ્કાર મેળવીશ. પીએમ મોદીમાં મણિપુર જવાની હિંમત નથી કે તેઓ જવા માંગતા નથી.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "ભાજપે લાખો મતોની હેરાફેરી કરીને મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવી છે. ભાજપના લોકો બિહારમાં પણ આવું જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો આવું જ ચાલુ રહેશે તો લોકશાહી ટકી શકશે નહીં, આવા લોકોને સત્તા પરથી દૂર કરવા જોઈએ. આજે દેશમાં લોકશાહી છે, એટલે જ દલિતો અને આદિવાસીઓને અનામત મળી છે.
ખડગેએ ભાજપ પર દલિત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો
કોંગ્રેસ પ્રમુખે ઓડિશા સરકાર પર નિશાન સાધતા કહ્યું, "હું SC, ST, OBC અને લઘુમતી સમુદાયના લોકોનો ડર ખતમ કરવા માંગુ છું, જેથી તેઓ તેમના અધિકારો માટે લડી શકે. જો તમે લડશો નહીં, તો તમને તમારા અધિકારો નહીં મળે. ઓડિશામાં બે દલિત લોકોને માર મારવામાં આવ્યો, તેના વાળ કાપવામાં આવ્યા. ગંદુ પાણી પીવાની ફરજ પાડવામાં આવી, ઘૂંટણિયે ચાલવા માટે મજબૂર કરવામાં આવ્યા. ભાજપ સરકારમાં દલિતોની આવી સ્થિતિ છે. કોંગ્રેસ પાર્ટી લોકોના અધિકારો માટે સત્યાગ્રહ કરી રહી છે, પરંતુ સરકાર સૂઈ ગઈ છે.