
Ahmedabad London Plane Crash : એર ઇન્ડિયાનું આ જ 171 બોઇંગ પ્લેન એક મહિના પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક્નિકલ ખામીના કારણે ઉડાન ભરી શકયુ ન હતું અને છેલ્લી ઘડીએ આ લંડન જતી આ ફલાઇટ કેન્સલ કરવી પડી હતી. એ વખતે પણ પ્લેનના પેસેન્જરોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો કે, એર ઇન્ડિયા વર્ષો જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહ્યુ છે અને તેના કારણે અવારનવાર ટેક્નિકલ ખામી સર્જાય છે અને ફલાઇટો કેન્સલ કરવી પડે છે, જેના કારણે મુસાફરોનો સમય પણ વેડફાય છે.
પેસેન્જરોના આ આક્રોશને જો એરપોર્ટ ઓથોરીટી અને સંબંધિત સત્તાવાળાઓએ ગંભીરતાથી લઇ ઉઠેલી આ ફરિયાદોને લઇ પૂરતી તપાસ કરાઇ હોત તો આ દુર્ઘટના ટાળી શકાઇ હોત અને સેંકડો પેસેન્જર્સના જીવ બચાવી શકાયા હોત.
પેસેન્જરોનું બોર્ડિંગ જ ફલાઇટના સમયના એક કલાક બાદ શરૂ કરાયું
હજુ ગયા મહિને જ અમદાવાદથી લંડન જઇ રહેલા પેસેન્જરોને એર ઇન્ડિયાની 171 બોઇંગ ફલાઇટનો કડવો અનુભવ થયો હતો. સામાન્ય રીતે એર ઇન્ડિયાની આ ફલાઇટ બપોરે 1-1૦ મિનિટની આસપાસ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી હોય છે. જેને લઇ મુસાફરો બેથી ત્રણ કલાક વહેલા પહોંચી પણ ગયા હતા. પરંતુ તેમછતાં ફલાઇટ સમયસર ઉડાન ભરી શકી ન હતી. ઉલ્ટાનું એરપોર્ટ પર પેસેન્જરોનું બોર્ડિંગ જ ફલાઇટના સમયના એક કલાક બાદ શરૂ કરાયું હતું.
ફલાઇટમાં એસી પણ ચાલુ-બંધ થતુ હતું
પેસેન્જરોનું બોર્ડિંગ પતી ગયા બાદ પણ તેમની પરેશાનીનો અંત આવ્યો ન હતો. પેસેન્જરને ફ્લાઇટમાં બેસાડાયા એ પછી બે કલાક સુધી તેઓને અંદર જ બેસાડી રાખવામાં આવ્યા હતા. અધૂરામાં પૂરું ફલાઇટમાં એસી પણ ચાલુ-બંધ થતુ હતું, જેના કારણે મુસાફરો અકળાયા હતા. ફલાઇટ કયારે ઉપડશે તેનો પણ ચોકક્સ જવાબ તેઓને મળતો ન હતો. મુસાફરોના ભારે ઉહાપોહ બાદ તેમને જાણકારી આપવામાં આવી હતી કે, ટેક્નિકલ ખામીના કારણે આ ફલાઇટ કેન્સલ કરવાની ફરજ પડી છે.
મુસાફરોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો
મુસાફરોને રિફંડ આપવાની જાહેરાત પણ કરાઇ પરંતુ તેઓનું લંડન જવાનું સમગ્ર આયોજન અને શીડયુલ પડી ભાંગતા મુસાફરોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા વર્ષો જૂના એર ક્રાફ્ટનો ઉપયોગ હજુ ચાલુ રાખે છે અને તેના કારણે અવાર નવાર ટેક્નિકલ ખામી કે નાની-મોટી મુશ્કેલીઓના કારણે ફલાઇટ કેન્સલ કરવી પડતી હોય છે. જેમાં મુસાફરોનો કિંમતી સમય તો વેડફાય જ છે પરંતુ આવી ટેક્નિકલ ખામી વચ્ચે કયારેક મુસાફરોના જીવ પણ જોખમાઇ શકે છે તેવી દહેશત પણ મુસાફરોએ પોતાના આક્રોશમાં વ્યકત કરી હતી.
એક મહિના પહેલાની આ ઘટનાને અને મુસાફરોની ફરિયાદને એરપોર્ટ ઓથોરીટી અને સંબંધિત સત્તાવાળાઓએ ગંભીરતાથી લઇ તે પરત્વે યોગ્ય નિરાકરણની કાર્યવાહી કરી હોત તો, કદાચ આજે સર્જાઇ તે કરુણાંતિકા નિવારી શકાઇ હોત અને સેંકડો મુસાફરોના જીવ બચાવી શકાયા હોત તેવી ચર્ચાએ પણ ભારે જોર પકડયુ હતું.