
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 6-7મેની રાત્રે પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી સ્થળો પર મિસાઇલ હુમલા કર્યા હતા. જૈશ-એ-મોહમ્મદનો ગઢ ગણાતા બહાવલપુર અને લશ્કર-એ-તૈયબાના અડ્ડા મુરીદકે પર એરસ્ટ્રાઇક કરી હતી. ભારતે આ ઓપરેશનને Operation Sindoor નામ આપ્યું હતું. હવે આ ઘટના પર RSSની પ્રતિક્રિયા આવી છે.
એરસ્ટ્રાઇક પર RSSએ શું કહ્યું?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ કહ્યું કે Operation Sindoor પહેલગામ આતંકી હુમલાના પીડિતો માટે ન્યાયની શરૂઆત છે. RSSના રાષ્ટ્રીય મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ સુનીલ આંબેકરે એક્સમાં પોસ્ટ કરતા કહ્યું, "પહેલગામના પીડિતો માટે ન્યાયની શરૂઆત- 'Operation Sindoor', ન્યાય થયો. રાષ્ટ્ર સમર્થન કરે છે. જય હિન્દ! ભારત માતા કી જય."
Operation Sindoor હેઠળ 9 આતંકી ઠેકાણા પર હુમલો
ઓપરેશન સિંદૂર હેઠળ જે 9 આતંકીઓના ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો તેમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાનના કબ્જા ધરાવતા PoKમાં સામેલ હતા. વાયુસેનાને ગુપ્ત જાણકારી મળી હતી કે આ ઠેકાણાઓ પર સ્વાસ્થ્ય કેન્દ્રોની આડમાં આતંકી શિબિર ચાલી રહી છે જેથી તેમની ખબર ના પડી શકે.