
છેલ્લા બે અઠવાડિયામાં સાઉદી અરેબિયાએ ત્રીજો મોટો ઝટકો આપ્યો છે. પહેલા ભારત સહિત 14 દેશો ઉપર અસ્થાયી રૂપે વિઝા પ્રતિબંધ લગાવ્યો કારણ કે ઉમરાહ અને હજ દરમિયાન કોઈ વિક્ષેપ ન પડે. એ પછી ગત અઠવાડિયે, જે વિદેશીઓ ઉમરાહ કરવા માટે માન્ય વિઝા સાથે સાઉદી અરેબિયા પહોંચ્યા હતા તેમને 29 એપ્રિલ સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે લોકો ઉમરાહ કરવા જતા હતા અને લાંબા સમય સુધી ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા હતા જેથી તેઓ હજ કર્યા પછી પાછા આવી શકે. આ કારણે હજ દરમિયાન મક્કામાં ઘણી ભીડ રહેતી હતી. હવે, ઘણા મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયા સરકારે વધુ એક કડક પગલું ભર્યું છે અને ભારતના ખાનગી હજ ક્વોટામાં અચાનક 80 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ સાઉદી અરેબિયા દ્વારા ખાનગી હજ ક્વોટામાં 80 ટકાનો ઘટાડો કરવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. બંને નેતાઓએ વિદેશ મંત્રી એસ જયશંકરને વિનંતી કરી કે, તેઓ તમામ અસરગ્રસ્ત યાત્રાળુઓના હિતમાં આ મુદ્દાનો વહેલી તકે ઉકેલ લાવવા માટે સાઉદી અધિકારીઓનો સંપર્ક કરે. જોકે, આ બાબતે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
સીએમ અબ્દુલ્લાએ વિદેશ મંત્રીને ઉકેલ શોધવા અપીલ કરી
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની ઓફિસ અર્થાત્ CMOએ લખ્યું કે, 52 હજારથી વધુ ભારતીય તીર્થયાત્રીઓ માટે હજ સ્લોટ રદ કરવાના સમાચાર અત્યંત ચિંતાજનક છે, કારણ કે આમાંના ઘણા યાત્રાળુઓ પહેલાથી જ સંપૂર્ણ ચુકવણી કરી ચૂક્યા છે. તેમણે આગળ લખ્યું, "હું માનનીય વિદેશ મંત્રી @DrSJaishankar ને વિનંતી કરું છું કે, તેઓ તમામ અસરગ્રસ્ત યાત્રાળુઓના હિતમાં ઉકેલ શોધવા માટે વહેલી તકે સાઉદી અધિકારીઓનો સંપર્ક કરે. આ વર્ષે પવિત્ર યાત્રા કરવાની આશા રાખતા હજારો લોકોને થતી અસુવિધા ઘટાડવા પ્રયાસ કરે.
મહેબૂબા મુફ્તીએ પણ ચિંતા વ્યક્ત કરી
વિપક્ષી પાર્ટી PDPના વડા મહેબૂબા મુફ્તીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં લખ્યું કે, "સાઉદી અરેબિયાથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટથી જાણવા મળ્યું કે, ભારતના ખાનગી હજ ક્વોટામાં અચાનક 80 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી દેશભરના હજ યાત્રીઓ અને ટૂર ઓપરેટરોને મોટી મુશ્કેલી પડી રહી છે."
કોંગ્રેસે વિદેશમંત્રીને કરી વિનંતી
કોંગ્રેસના મહાસચિવ સૈયદ નસીર હુસૈને પણ આ મુદ્દે કહ્યું કે તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે 52,000 ભારતીય હજ યાત્રીઓના હજ સ્લોટ "ચુકવણી છતાં" રદ કરવામાં આવ્યો. તેમણે કહ્યું, "હું માનનીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને વિનંતી કરું છું કે તેઓ તાત્કાલિક સાઉદી અધિકારીઓ સાથે વાતચીત શરૂ કરીને આનો ઉકેલ શોધે. એવા પ્રયત્નો કરે કે ભારતને સ્લોટ પાછા મળે. ભારતની મોટી મુસ્લિમ વસ્તી વધુ સંખ્યામાં સ્લોટ મેળવવાને પાત્ર છે.