
Supreme Court On Waqf amendment act 2025: સુપ્રીમ કોર્ટમાં આજે સતત બીજા દિવસે વકફ સુધારા અધિનિયમ 2025 પર સુનાવણી થવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે પોતાનો આદેશ આપી શકે છે. બુધવારે સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા કાયદા પર લગભગ 70 મિનિટ સુધી સુનાવણી કરી હતી. કોર્ટે સંકેત આપ્યો હતો કે, તે આ કાયદાના કહેવાતા વિવાદાસ્પદ ભાગોના અમલીકરણ પર રોક લગાવી શકે છે. આજે, સુપ્રીમ કોર્ટ વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડિનોટિફાઇ કરવાના અધિકાર, વકફ બોર્ડમાં(Waqf Board) બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ અને કલેક્ટરોની તપાસ દરમિયાન મિલકતને બિન-વકફ તરીકે જાહેર કરવાની જોગવાઈ સંબંધિત આદેશ જારી કરી શકે છે.
પાંચ મુદ્દા પર જ સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, 110થી 120 ફાઈલ્સને વાંચવી અસંભવ છે. એવામાં આપણે એવા પાંચ મુદ્દાઓ તૈયાર કરવા પડશે. જે આપત્તિજનક હોય અને તેના પર સુનાવણી હાથ ધરાશે. નોડલ કાઉન્સિલ મારફત આ મુદ્દાઓ નક્કી કરવામાં આવે. કેન્દ્રને જવાબ આપવા માટે એક સપ્તાહનો સમય માગ્યો છે, ત્યાં સુધી વક્ફ બોર્ડ અને પરિષદમાં કોઈ નવી નિમણૂક ન કરવા પણ આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ નિર્દેશ
ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદા પર કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય આપ્યો છે. કેન્દ્રને એક અઠવાડિયામાં તેનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રનો જવાબ ન આવે ત્યાં સુધી વકફ મિલકતની સ્થિતિ નહીં બદલાય. સરકાર જવાબ ન આપે ત્યાં સુધી યથાસ્થિતિ રહેશે. આ સાથે, આગામી આદેશો સુધી કોઈ નવી નિમણૂકો પણ નહીં થાય.
આગામી સુનાવણી સુધી કોઈ વક્ફ બાય યૂઝર પ્રોપર્ટીને ડી નોટિફાઈ નહીં કરી શકાય : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કડક નિર્દેશ આપ્યો હતો કે આગામી સુનાવણી સુધીમાં કોઈ વક્ફ બાય યૂઝર પ્રોપર્ટીને ડી નોટિફાઈ નહીં કરી શકાય.
કેન્દ્ર સરકારનું મોટું આશ્વાસન
સુપ્રીમ કોર્ટમાં સોલિસીટર જનરલે કેન્દ્ર સરકાર તરફથી આશ્વાસ આપ્યું હતું કે જ્યાં સુધી વક્ફ બિલને લગતો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેશે ત્યાં સુધી સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અથવા સ્ટેટ વક્ફ બોર્ડમાં કોઇ નવી નિમણૂક નહીં કરવામાં આવે.
CJI એ આદેશ લખવાનું શરૂ કર્યું
સીજેઆઈએ આદેશ લખવાનું શરૂ કર્યું. આદેશ - એસજીએ ખાતરી આપી છે કે આગામી સુનાવણી સુધી સુધારેલા કાયદા હેઠળ કોઈ નિમણૂક કે બોર્ડની રચના કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે કહ્યું કે વચગાળાનો આદેશ આપતા પહેલા સુપ્રીમ કોર્ટે વિચાર કરવો જોઈએ કે તેનું પરિણામ શું આવશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આ દલીલને ફગાવી દીધી.
સીજેઆઈનું વક્ફ બિલ પર સ્ટે મૂકવા અંગે મોટું નિવેદન...
સુનાવણી શરૂ કરતાં સીજેઆઈએ કહ્યું કે જો કાયદાની અમુક જોગવાઈઓ પર સ્ટે મૂકવામાં નહીં આવે તો ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિક સ્થિતિમાં ઘણાં બધા ફેરફાર થઈ જવાની શક્યતા છે.
સુનાવણી શરૂ થતાં જ સોલિસીટર જનરલ બોલ્યાં...
વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું - સ્ટે મૂકવાનો કોઈ આધાર જ નથી. કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જો સ્ટે મૂકી દેવામાં આવશે તો આ એક કડક કાર્યવાહી ગણાશે. અમને એક અઠવાડિયાનો સમય આપો જેથી જવાબ આપી શકીએ. કોર્ટના આદેશની માઠી અસર થઇ શકે છે.
બુધવારે કેસની સુનાવણી દરમિયાન CJI જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે 'અમે સામાન્ય રીતે કોઈપણ કાયદા પર રોક મૂકી શકીએ નહીં, સિવાય કે અપવાદરૂપ સંજોગો હોય. પણ વક્ફ બાય યુઝરને ડી-નોટિફાઈ કરવાનો મુદ્દો એક અપવાદરૂપ છે. તેના માઠા પરિણામો આવી શકે છે.'
દેશના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ વકફ (સુધારા) કાયદાની જોગવાઈઓ પર સુનાવણી સાંભળી રહ્યા છે. આ બેન્ચમાં તમામ હિન્દુ જજ હોવાથી મુસ્લિમ પક્ષકારોએ તેમનો વાંધો ઉઠાવ્યો છે. આજે ગુરૂવારે બપોરે બે વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થશે.