
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગયા મહિને નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ના વિદ્યાર્થિનીના આત્મહત્યા કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે FIR ન નોંધવા બદલ કોટા પોલીસ અને રાજસ્થાન સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે, "એક રાજ્ય તરીકે તમે શું કરી રહ્યા છો? ફક્ત કોટામાં જ વિદ્યાર્થીઓ આત્મહત્યા કેમ કરી રહ્યા છે? આ બાબતે તમે શું વિચારો છો?" જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે રાજસ્થાન સરકારને કહ્યું કે, "શું તમે રાજ્ય તરીકે આ અંગે કોઈ વિચાર કર્યો છે ખરો?" આ કેસમાં SIT એ શું કર્યું છે? કોર્ટે નોંધ્યું કે, કોટાના વિદ્યાર્થિનીના કેસમાં કોઈ FIR નોંધવામાં આવી નથી.
'વિદ્યાર્થીઓ કેમ મરી રહ્યા છે?'
સુપ્રીમ કોર્ટે શોધી કાઢ્યું કે, કોટાની વિદ્યાર્થિનીના કેસમાં કોઈ FIR નોંધવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને ફટકાર લગાવી સવાલ કર્યો કે, અત્યાર સુધી આ બાબતે FIR કેમ નોંધવામાં ન આવી? તમે અમારા નિર્ણયની અવમાનના કરી રહ્યા છો. કોટામાં અત્યાર સુધીમાં કેટલા યુવા વિદ્યાર્થીઓના મોત થયા? આ વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળનું કારણ શું છે? 'ફક્ત કોટામાં જ વિદ્યાર્થીઓ કેમ આત્મહત્યા કરી રહ્યા છે?'.
કોટા પોલીસને ઠપકો
કોટામાં NEETના વિદ્યાર્થી દ્વારા આત્મહત્યાના કેસમાં માત્ર તપાસ નોંધ કરવા અને અમિત કુમાર કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ જઈને FIR ન નોંધવા બદલ કોર્ટે કોટા પોલીસને ઠપકો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કેમ કરવામાં આવ્યું નથી?
સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના વધતા જતા બનાવો પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા સંબંધિત પોલીસ અધિકારીઓને સમન્સ જારી કરતા પૂછ્યું કે, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કેમ કરવામાં આવ્યું નથી. કોટા પોલીસ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા અને પૂછવામાં આવ્યું હતું કે, FIR કેમ નોંધવામાં આવી નથી. તેમને 14 જુલાઈના રોજ કોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.
FIR દાખલ કરવામાં ચાર દિવસનો વિલંબ કેમ થયો?
IIT ખડગપુરના વિદ્યાર્થીના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે FIR દાખલ કરવામાં ચાર દિવસનો વિલંબ કેમ થયો? કોર્ટે અધિકારીઓને ચેતવણી આપી હતી કે આ ખૂબ જ ગંભીર બાબતો છે અને તેને હળવાશથી ન લેવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની સતત વધતી ઘટનાઓ પર આ વર્ષની શરૂઆતમાં આપેલા પોતાના ચુકાદાનો ઉલ્લેખ કર્યો. કોર્ટે કહ્યું કે નિર્ણય મુજબ, તાત્કાલિક FIR નોંધવી જોઈએ. અમે આ બાબતે ખૂબ જ કડક વલણ અપનાવી શકીએ છીએ. કદાચ અવમાનના પણ. પરંતુ આ તબક્કે વધુ કંઈ કહેવાનું ટાળી રહ્યા છીએ.