
સુપ્રીમ કોર્ટે મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર (દ્વિતીય)ના પ્રપૌત્રની વિધવા સુલતાના બેગમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. સુલતાના બેગમે પોતાની અરજીમાં પોતાને મુઘલ બાદશાહની કાયદેસર વારસદાર હોવાનો દાવો કર્યો હતો અને દિલ્હીના લાલ કિલ્લાનો કબજો મેળવવાની માંગ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે અરજીને વાહિયાત ગણાવી હતી.
હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
અહેવાલો અનુસાર, અગાઉ દિલ્હી હાઈકોર્ટે સુલતાના બેગમની અરજી ફગાવી દીધી હતી. તેણે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે અરજીને એક જ વારમાં ફગાવી દીધી અને કહ્યું કે, 'આ સંપૂર્ણપણે પાયાવિહોણી અરજી છે અને તે સુનાવણી યોગ્ય નથી.'
અરજી પહેલીવાર 2021માં દાખલ કરાઈ હતી
સુલતાના બેગમ કોલકાતા નજીક હાવડામાં રહે છે. તેણે સૌપ્રથમ વર્ષ 2021માં હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. તેમને આશા હતી કે, આ બહાને સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન આપશે અને ઓછામાં ઓછી થોડી આર્થિક મદદ મળી રહેશે, પરંતુ એવું કંઈ થયું નહીં.
દિલ્હી હાઈકોર્ટે કેસ દાખલ કરવામાં 164 વર્ષથી વધુના વિલંબને ટાંકીને અરજી ફગાવી દીધી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે આજે આ કેસની સુનાવણી કરી, ત્યારે તેણે અરજી ફગાવી દીધી અને કહ્યું કે, 'માત્ર લાલ કિલ્લો જ કેમ, ફતેહપુર સિક્રી જ કેમ નહીં, તેને પણ કેમ બાકાત રાખવામાં આવ્યો.'