
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ 70 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર થશે. આ પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીલાલ તેમજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે.
કેજરીવાલે શું કહ્યું?
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે મતદાનના બે દિવસ પહેલા EVM મશીનમાં ગડબડની આશંકા વ્યક્ત કરી છે. કેજરીવાલે કહ્યું કે 10 ટકા વોટની હેરાફેરી થઇ શકે છે. કેજરીવાલે સાવચેતીના ભાગરૂપે પગલા ભરવાની પણ વાત કરી છે. AAP પ્રમુખે કહ્યું કે, તેમની પાર્ટીએ એક વેબસાઇટ બનાવી છે જેના પર દરેક બુથના ડેટા અપલોડ કરવામાં આવશે અને ગડબડ રોકવાનો પ્રયાસ કરવામાં આવશે.
AAPને 55 બેઠક મળી શકે છે- કેજરીવાલ
AAPના નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મારા હિસાબથી AAPને 55 બેઠક મળી રહી છે. જો માતા-બહેનો જોરથી ધક્કો મારે તો 60 બેઠક પણ મળી શકે છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ સંસદમાં મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની જીત થઇ હતી. ત્યાર બાદ, વિધાનસભા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની કુલ વસ્તી જેટલા મતદારોને મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા. લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રમાં 70 લાખ નવા મતદારો ઉમેરાયા હતા. પાંચ વર્ષ કરતા છેલ્લા પાંચ મહિનામાં વધુ મતદારોને એડ કરાયા. શિરડીમાં એક જ બિલ્ડિંગમાંથી અચાનક સાત હજાર મતદારોને મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા.'
આ અંગે વધુમાં તેમણે કહ્યું કે, 'હું કોઇ આરોપ લગાવી રહ્યો નથી. ફક્ત આટલું કહું છું કે કંઇક ગરબડ છે. લોકસભા ચૂંટણી બાદ અચાનક ચમત્કારિક રીતે આટલા બધા મતદારો કઇ રીતે વધી શકે છે. અમે ચૂંટણી પંચથી લોકસભાની મતદાર યાદી, નામ અને એડ્રેસ આપવાની માંગ કરી હતી. નવા મતદાર મોટા ભાગે એ ભાગમાં ઉમેરાયા જ્યાં ભાજપની સ્થિતિ કમજોર હતી. અમારી પાસે આ અંગે ડેટા છે. ચૂંટણી અધિકારીની પસંદગી વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસે કરવાની હતી, ચીફ જસ્ટિસને હટાવીને ષડયંત્ર ઘડવામાં આવ્યું.'