
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચ પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે ચૂંટણી પંચ પર ભાજપ સામે હથિયાર મૂકી દેવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારને પૂછ્યું કે, ભાજપે તમને કયા પદની ઓફર કરી છે? જેના કારણે તમે દિલ્હીને દાવ પર લગાવી દીધું.
ચૂંટણી કમિશ્નરે પદની લાલચમાં દેશની લોકશાહીને ગીરવે મૂકી
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાજીવ કુમાર આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિ બાદ તમને કયા પદની ઓફર મળી કે તમે દેશને દાવ પર લગાવી દીધો છે. ગવર્નર કે રાષ્ટ્રપતિ, કયું પદ હોઈ શકે? ચૂંટણી પંચે ભાજપ સામે સરેન્ડર કરી લીધું છે. રાજીવ કુમારે નિવૃત્તિ બાદ પદની લાલચમાં દેશની લોકશાહીને ગીરવે મૂકી દીધી છે.
https://twitter.com/AamAadmiParty/status/1886301792251650527
સત્તાની લાલસા છોડી દો
કેજરીવાલે વધુમાં કહ્યું કે, 'જો તમારે એ લોકશાહીને દાવ પર લગાવવી પડે જેના માટે સ્વતંત્રતા સેનાનીઓએ બલિદાન આપ્યું હતું, તો મારા મતે આવું કોઈ પદ નથી. હું રાજીવ કુમારને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારી ફરજ બજાવો અને સત્તાની લાલસા છોડી દો.'
કેજરીવાલના ભાજપ પર આકરા પ્રહાર
બીજી તરફ અરવિંદ કેજરીવાલે ભાજપ પર ગુંડાગીરી અને AAP કાર્યકરોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા દાવો કર્યો કે, ડરી ગયેલી દિલ્હી પોલીસ પરિસ્થિતિને સંભાળવામાં અસહાય છે.
કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કરતાં પૂછ્યું કે, 'સૌથી મોટો ગુંડો કોણ છે જે આ દેશના કાયદાથી નથી ડરતો? એ ગુંડો કોણ છે જે પત્રકારોની ધરપકડ કરી રહ્યો છે અને ખુલ્લેઆમ AAP કાર્યકરો અને સમર્થકો પર હુમલો કરી રહ્યો છે? કોણ છે એ ગુંડો જેના આદેશો દિલ્હી પોલીસ લઈ રહી છે અને ડરી રહી છે અને ખુદને લાચાર અનુભવી રહી છે?'
આમ આદમી પાર્ટી અને ભાજપના શાસનની તુલના
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટી અને ભાજપના શાસનની તુલના કરતાં કહ્યું કે, એક તરફ એક પાર્ટી સામાન્ય માણસના 25 હજાર રૂપિયા દર મહિને બચાવી રહી છે જ્યારે બીજી તરફ એક પાર્ટી ગુંડાગીરીમાં વ્યસ્ત છે.