
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યમુના વિવાદ પર મુખ્ય ચૂંટણી કમિશનરને લઇને મોટું નિવેદન આપ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચૂંટણી પંચ રાજનીતિ કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર રિટાયરમેન્ટ બાદ નોકરીની શોધમાં છે માટે રાજનીતિ કરી રહ્યાં છે.
કેજરીવાલનો મુખ્ય ચૂંટણી કમિશનર પર મોટો આરોપ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો મુખ્ય ચૂંટણી કમિશનરને રાજનીતિ કરવી છે તો દિલ્હીની કોઇ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી લે. મને નથી લાગતું કે ચૂંટણી પંચને આટલું ક્યારેય બરબાદ કરવામાં આવ્યું છે. મને ખબર છે કે તે મને બે દિવસની અંદર જેલમાં નાખી દેશે, તેમને નાખવા દો, મને કોઇ ડર નથી. દેશે પહેલા ક્યારેય આ રીતની ચૂંટણી જોઇ નથી.
https://twitter.com/PTI_News/status/1884864785604600168
મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હી ચૂંટણી પહેલા 'યમુનામાં ઝેર'ના નિવેદન પર કેજરીવાલની મુશ્કેલી વધી ગઇ છે. ચૂંટણી પંચે આ ઘટના પર AAP પ્રમુખ કેજરીવાલને 5 સવાલ પૂછતા કાલે 11 વાગ્યા સુધી જવાબ આપવા કહ્યું છે.
યમુનાને લઇને શું છે વિવાદ?
મહત્ત્વપૂર્ણ છે કે 27 જાન્યુઆરીએ એક ચૂંટણી રેલીને સંબોધતા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણા તરફથી દિલ્હીને આપવામાં આવતા પાણીની ખરાબ ગુણવત્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું, 'લોકોને પાણીથી વંચિત કરવા તેનાથી મોટું પાપ કોઇ નથી. ભાજપ પોતાની ગંદી રાજનીતિથી દિલ્હીની જનતાને તરસી છોડવા માંગી રહી છે. તે હરિયાણામાંથી મોકલવામાં આવતા પાણીમાં ઝેર ભેળવી રહી છે. કેજરીવાલે કહ્યુ હતું, 'આ પ્રદૂષિત પાણી એટલુ ઝેરી છે કે તેને દિલ્હીમાં રહેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી સ્વચ્છ પણ કરી શકાતું નથી. ભાજપ દિલ્હીવાસીઓની સામુહિક હત્યા કરવા માંગે છે પણ અમે તેવું થવા નહીં દઇએ.'
BJP-કોંગ્રેસે ઉઠાવ્યા હતા સવાલ
કેજરીવાલની આ ટિપ્પણી બાદ ભાજપ અને કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી હતી. બન્ને પાર્ટીએ કેજરીવાલના દાવાની સત્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. તે બાદ ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારી હતી અને પોતાના નિવેદનને લઇને યોગ્ય પુરાવા આપવા કહ્યું હતું. કેજરીવાલને પહેલા 29 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યા સુધીની ડેડલાઇન આપવામાં આવી હતી. કેજરીવાલે જવાબ આપ્યો હતો અને પોતાના દાવાના સમર્થનમાં દિલ્હી જળ બોર્ડના CEOના પત્રનો હવાલો આપ્યો હતો.