Home / India : WAQF law was enacted after the Supreme Court's order, Jagdambika Pal

સુપ્રીમના આદેશ બાદ WAQF કાયદો ઘડાયો, ખામી નીકળી તો રાજીનામું આપી દઈશઃ જેપીસી અધ્યક્ષ

સુપ્રીમના આદેશ બાદ WAQF કાયદો ઘડાયો, ખામી નીકળી તો રાજીનામું આપી દઈશઃ જેપીસી અધ્યક્ષ

WAQF Bill માં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંશોધનો વિરૂદ્ધ કરવામાં આવેલી ફરિયાદો પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે પોતે વક્ફ કાયદામાં કેટલીક ખામીઓ હોવાનું કહી સ્પષ્ટતા માગી છે. જેના પર આ કાયદાનું નિર્માણ કરનારી જેપીસી (જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી)ના અધ્યક્ષ જગદંબિકા પાલે દાવો કર્યો છે કે, જો કાયદામાં એક પણ ખામી નીકળી, તો હું મારા સાંસદ પદ પરથી રાજીનામું આપી દઈશ. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુપ્રીમ કોર્ટે સળંગ બે દિવસ સુધી WAQF Bill મામલે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ઘણા આપત્તિજનક નિયમો ઘડાયા હોવાનું જણાવી કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટતા મગાવી છે. કેન્દ્ર સરકારે સાત દિવસની અંદર અમુક સળગતા સવાલોનો જવાબ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. 

જગદંબિકા પાલે જણાવ્યું કે, જેપીસીએ આ મુદ્દે 38 બેઠકો કરી હતી. તમામ સવાલો પાયાવિહોણા છે. અમુક રાજકીય પક્ષો પોતાના લાભ માટે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કાયદો અનેક વિચાર-વિમર્શ અને મનોમંથન બાદ ઘડવામાં આવ્યો છે. જો કાયદામાં એક પણ ખામી નીકળી તો હું મારા સાંસદ પદ પરથી રાજીનામું આપી દઈશ. 

સુપ્રીમ કોર્ટે આ ત્રણ સવાલો પૂછ્યા

સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદામાં સમાવિષ્ટ ત્રણ નિયમો પર વાંધો ઉઠાવ્યો હતો. તેમજ તે મામલે સ્પષ્ટતા આપવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે. આ સુધારા હેઠળ હિન્દુ વ્યક્તિને વક્ફ બોર્ડમાં સામેલ કરવાની જોગવાઈ છે. જેમાં સુપ્રીમે પૂછ્યું કે, તો શું સરકાર હિન્દુ બોર્ડમાં પણ મુસ્લિમ સમુદાયને સામેલ કરવા તૈયાર છે. બીજો વક્ફ બાય યુઝર પ્રોપર્ટીને ડિ-નોટિફાઈ કરવા પર સવાલ ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે, વક્ફ બાય યુઝર પ્રોપર્ટીને ડિ-નોટિફાઈ કરવામાં આવી તો દેશમાં ગંભીર માહોલ સર્જાશે. તેના પરિણામો ખૂબ ખરાબ આવી શકે છે.

સુપ્રીમ કોર્ટના આદેશને આધિન લીધો હતો નિર્ણય

જગદંબિકા પાલે જણાવ્યું હતું કે, બિન-મુસ્લિમોને વક્ફ બોર્ડમાં સામેલ કરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે જ લેવામાં આવ્યો હતો. 2010માં સુપ્રીમ કોર્ટ અનુસાર, વક્ફ બોર્ડ એક કાયદાકીય સંસ્થા છે, તે ધાર્મિક સંસ્થા નથી. તે વક્ફ પ્રોપર્ટીની દેખરેખ અને જાળવણી કરતી સંસ્થા છે. આ સિવાય અગાઉ પણ સુપ્રીમ કોર્ટે અનેક વખત વિવિધ કેસોમાં કહ્યું છે કે, વક્ફ બોર્ડ એ કાયદાકીય સંસ્થા છે. ધાર્મિક નહીં. જેથી તેમાં વિશ્લેષણના લોકો સહિત અન્ય નિષ્ણાતો સામેલ થઈ શકે છે.  નોંધનીય છે, વિવિધ મુસ્લિમ સંગઠનો અને વિપક્ષો દ્વારા વક્ફ કાયદા 2025નો વિરોધ થઈ રહ્યો છે. આ કાયદો મુસ્લિમોની ઓળખને નષ્ટ કરનારો હોવાનો દાવો કર્યો છે. જ્યારે સરકારે તેને મુસ્લિમોની હિતમાં ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ વિરોધ મામલે 100થી વધુ અપીલ થઈ છે.

Related News

Icon