
રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાના પ્રયાસના ભાગરૂપે વ્હાઇટ હાઉસમાં યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેંસ્કી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ઉપપ્રમુખ જેડી વાન્સ વચ્ચે યોજાયેલી બેઠક ઉગ્ર બોલાચાલી બાદ કોઇ પણ ડિલ વિના ખતમ થઇ ગઇ હતી.વ્હાઇટ હાઉસમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપપ્રમુખ જેડી વાન્સ સાથે ઉગ્ર બોલાચાલી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીનું અપમાન કરીને રીતસરના વ્હાઇટ હાઉસમાંથી કાઢી મુક્યા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધ સમયે તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું અપમાન કર્યું હતું. ઇન્દિરા ગાંધી પોતાનું અપમાન ભૂલ્યા નહતા અને જ્યારે તક મળી ત્યારે એક નહીં પણ બે-બે વખત અમેરિકા પાસેથી બદલો લીધો હતો.શું હતી તે ઘટના અને અમેરિકાએ ઇન્દિરા ગાંધીનું કેમ અપમાન કર્યું હતું તેના વિશે જાણીયે...
જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ ઇન્દિરા ગાંધીનું કર્યું હતું અપમાન
ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પોતાના કડક નિર્ણયને કારણે 'આયરન લેડી' પણ કહેવામાં આવતા હતા, તેની એક ઝલક ત્યારે જોવા મળી જ્યારે અમેરિકાએ તેમનું અપમાન કર્યું હતું અને તેનો ઇન્દિરા ગાંધીએ એક નહીં પણ બે-બે વખત બદલો પણ લીધો હતો. પાકિસ્તાન સાથે 1971માં ભારત યુદ્ધ પહેલા તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનને મળવા ગયા હતા. તે ઇચ્છતા હતા કે પૂર્વ પાકિસ્તાનીઓ પર સેનાનો અત્યાચારને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં આવે પરંતુ ત્યારે પાકિસ્તાનના પક્ષમાં ઉભા રહેનારા અમેરિકાના રાષ્ટ્રપતિએ ઇન્દિરા ગાંધીને મળવા માટે 45 મિનિટ સુધી રાહ જોવડાવીને અપમાન કર્યું હતું.
રિચર્ડ નિક્સને પહેલા રાહ જોવડાવી પછી મુલાકાત દરમિયાન ઇન્દિરા ગાંધી સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. ઇન્દિરા ગાંધી પોતાનું આ અપમાન ભૂલ્યા નહતા અને તેને બદલો લેવા સુધી આ અપમાનને યાદ રાખ્યું હતું. તે સમયે પાકિસ્તાની સેનાના અત્યાચારને કારણે પૂર્વી પાકિસ્તાનના લોકો સરહદ પાર કરીને ભારતમાં શરણ લેતા હતા. તેનાથી ભારત પર ભાર વધી રહ્યો હતો. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાની સેનાની કરતૂત દુનિયા સામે લાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે રિચર્ડ નિક્સને ઇન્દિરા ગાંધીની દરેક વાતને નજરઅંદાજ કરી હતી. તે સમયે નિક્સને અમેરિકાના વિદેશ મંત્રી હેનરી કિસિંજરને કહ્યું હતું કે ઇન્દિરા ગાંધી ભારતમાં ઘુસનારા બાંગ્લાદેશી શરણાર્થીઓને ગોળી કેમ મારવા દેતા નથી?
નિક્સન ઇન્દિરા ગાંધી માટે અપશબ્દનો કરતા હતા ઉપયોગ
અમેરિકા 1971માં 'તમે અમારી સાથે અથવા અમારા વિરૂદ્ધ છો'ની નીતિ પર કામ કરતું હતું. ઇન્દિરા ગાંધીના વડાપ્રધાન બન્યા બાદ અને સોવિયત સંઘ સાથે ભારતના સંબંધોથી અમેરિકા નારાજ હતું. નિક્સન પણ ઇન્દિરા ગાંધીના મુકાબલે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અગા મુહમ્મદ યાહ્યા ખાનને વધારે પસંદ કરતા હતા. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અમેરિકાએ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. તેમ છતા પાકિસ્તાની સેનાએ ઘુંટણ ટેકવ્યા હતા. યુદ્ધ સમાપ્ત થવા અને બાંગ્લાદેશ બનવાના કેટલાક સમય બાદ નિક્સનના કાર્યકાળના સમયના ટેપ સાર્વજનિક થયા તો ખબર પડી કે તે ઇન્દિરા ગાંધી માટે અપશબ્દોનો ઉપયોગ કરતા હતા.
નિક્સનની ચેતવણી પર ઇન્દિરાએ આપ્યો હતો જવાબ
ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલા નવેમ્બર 1971માં જ્યારે ઇન્દિરા ગાંધી અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ નિક્સનને મળવા ગયા તો કડક ચેતવણી આપવાના હતા. રિચર્ડ નિક્સને ચેતવણી આપી હતી કે ભારતે પૂર્વી પાકિસ્તાનમાં સૈન્ય કાર્યવાહીની હિમ્મત કરી તો પરિણામ સારા નહીં આવે. ભારતે પછતાવું પડશે. ઇન્દિરા ગાંધીએ નિક્સનની ચેતવણી પર એવા હાવભાવ બનાવ્યા કે જેની તેમના પર કોઇ અસર જ ના થઇ હોય. ઇન્દિરા ગાંધી વિશે કહેવામાં આવે છે કે તે ક્યારેય પોતાના સન્માન સાથે કોઇ સમજૂતિ કરતા નહતા.અમેરિકાના પ્રવાસ પહેલા સપ્ટેમ્બરમાં તે સોવિયત સંઘ પણ ગયા હતા. ભારતને સૈન્ય પુરવઠા સાથે મોસ્કો રાજનીતિક સમર્થનની જરૂર હતી જેને અમેરિકા ગયા પહેલા જ મેળવી લેવામાં આવ્યો હતો.
ઇન્દિરા ગાંધીએ લીધો અપમાનનો બદલો
ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાના અપમાનનો બદલો લેવા માટે સંયમ રાખ્યો હતો અને યોગ્ય તકની રાહ જોઇ હતી. પ્રથમ વખત ઇન્દિરા ગાંધીએ અમેરિકા પાસેથી પોતાના અપમાનનો બદલો ત્યારે લીધો જ્યારે બાંગ્લાદેશ બન્યા બાદ તેમની અમેરિકા સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનનો ઉલ્લેખ પણ કર્યો નહતો. અહીં સુધી કે તેમને અમેરિકન વિદેશ નીતિ વિશે રિચર્ડ નિક્સનને કડક સવાલ પૂછ્યા હતા. ઇન્દિરા ગાંધીએ રિચર્ડ નિક્સન સાથે એવી વાતો કરી જેને એક પ્રોફેસર અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે. નિક્સન જવાબ ના આપી શક્યા અને ગુસ્સામાં કડવો ઘૂંટ પીવો પડ્યો હતો.
ઇન્દિરા ગાંધીએ બીજી વખત પણ લીધો બદલો
યુદ્ધ બાદ ઇન્દિરા ગાંધીના સન્માનમાં નિક્સને એક ડિનરનું આયોજન કર્યું હતું. મેજ પર ઇન્દિરા ગાંધી રિચર્ડ નિક્સનની બાજુમાં જ બેઠા હતા. ડિનરમાં સામેલ તમામ મહેમાન ઇન્દિરા ગાંધીને જોતા હતા પરંતુ તે આંખ બંધ કરીને જ બેઠા હતા. બાદમાં જ્યારે તેમની ટીમના એક સભ્યએ તેના વિશે પૂછ્યુ તો ઇન્દિરા ગાંધીએ કહ્યું કે મારા માથામાં દુખાવો થતો હતો એટલે મેં આંખો બંધ કરી લીધી હતી. જોકે, બધા જાણતા હતા કે ઇન્દિરા ગાંધીએ આમ કેમ કર્યું. આ નિક્સન માટે કરવામાં આવેલા અપમાનનો બીજો જવાબ હતો.