
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. દિલ્હીમાં ભાજપે 27 વર્ષ પછી ફરી એક વખત ભગવો લહેરાવ્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે. આ ચૂંટણીમાં સતત ત્રીજી વખત કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. 70 બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભામાં ભાજપને સૌથી વધુ 48 બેઠક જ્યારે આમ આદમી પાર્ટી 22 બેઠક જીતવામાં સફળ રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને 0 બેઠક મળી હતી. કોંગ્રેસ ખાતું ખોલાવી શકી નથી પણ તેમ છતાં તે ખુશ જોવા મળી રહી છે.
કોંગ્રેસનો વોટ શેર વધ્યો
દિલ્હીમાં ભાજપનો વોટશેર 7.05 ટકા વધીને 45.56 ટકા થયો હતો જ્યારે કોંગ્રેસનો વોટ શેર 2.1 ટકા વધીને 6.34 ટકા થયો છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 4.26 ટકા મત મળ્યા હતા.
દિવંગત નેતા શીલા દીક્ષિતના નેતૃત્વમાં, કોંગ્રેસે 1998 (52 બેઠકો), 2003 (47 બેઠકો) અને 2008 (43 બેઠકો)માં દિલ્હીમાં સતત ત્રણ ચૂંટણીઓ જીતી હતી અને 15 વર્ષ સુધી સત્તામાં રહી હતી. જોકે, આ પછી દિલ્હીમાં કોંગ્રેસનો ગ્રાફ સતત નીચે આવતો ગયો.
કોંગ્રેસે ગુજરાત-હરિયાણાનો રાજકીય બદલો લીધો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને AAP જ નડ્યુ હતું. 33 બેઠકો પર AAPને લીધે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટીનો સાથ ફળ્યો નહતો. એવી સ્થિતિ થઇ કે, ગુજરાત કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યુ હતું. આ ચૂંટણી બાદ AAP-કોંગ્રેસ વચ્ચે રાજકીય દુશ્મનાવટ વધી હતી. આ જ પ્રમાણે, હરિયાણામાં પણ આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસની હાર થઇ હતી.
રાજકીય નિષ્ણાતોનું માનવું છેકે, દિલ્હી વિધાનસભામાં પરિણામો પરથી આવી ચર્ચાએ જોર પકડ્યુ છે કે, ભલે કોંગ્રેસે ત્રીજી વાર ખાતું ખોલાવ્યુ ન હોય પણ AAPને જરૂર નડી ગઇ છે. આમ, ગુજરાત અને હરિયાણામાં કોંગ્રેસને મળેલી હારની ભરપાઇ થઇ ગઇ છે.
કોંગ્રેસને કારણે 14 બેઠક હાર્યું AAP
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારણે આમ આદમી પાર્ટી 14 બેઠક હારી ગયુ હતું. જો દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થયું હોત તો ચૂંટણીનું પરિણામ અલગ જ હોત.
દિલ્હી વિધાનસભાની 10 બેઠક એવી છે જ્યાં હાર-જીતનો અંતર સામાન્ય છે જેમાં તીમારપુરમાં 1500, રાજિંદર નગરમાં 1231, પડપડગંજમાં 675, માલવીય નગરમાં 2131, મહરૌલીમાં 1782, સંગમ વિહારમાં 344, ત્રિલોકપુરીમાં 392, નવી દિલ્હીમાં 4089 મતે હાર-જીત થઇ છે.
કેજરીવાલ સહિતના AAPના દિગ્ગજ નેતાઓ હાર્યા
નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતા દિલ્હીના ત્રણ વખતના મુખ્યમંત્રી અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ ચૂંટણી હારી ગયા છે.આ સિવાય મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ, સોમનાથ ભારતી સહિતના નેતાઓએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર આતિશીએ જ જીતીને આમ આદમી પાર્ટીની દિલ્હીમાં લાજ બચાવી છે.