
Inflation: ભારતમાં છૂટક ફુગાવો (સીપીઆઇ) એપ્રિલ-2025માં ઘટીને 3.16% થયો, જે છેલ્લા 6 વર્ષમાં સૌથી નીચો સ્તર છે. આ ઘટાડાનું મુખ્ય કારણ શાકભાજી, ફળો, કઠોળ અને અન્ય પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો છે. આ દર રિઝર્વ બેંકની મર્યાદામાં છે, જે લગભગ 4% રહે છે. માર્ચ ૨૦૨૫માં આ ફુગાવાનો દર 3.34% અને એપ્રિલ ૨૦૨૪માં 4.83% હતો. જુલાઈ 2019માં આ દર 3.15% હતો.
ખાદ્ય ફુગાવો પણ ઘટ્યો
એપ્રિલમાં ખાદ્ય ફુગાવો માત્ર 1.78% રહ્યો, જે માર્ચમાં 2.69% અને ગયા વર્ષે એપ્રિલમાં 8.9% હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘણી રાહત મળી છે, જેના કારણે ફુગાવાનો દર નીચે આવ્યો છે.
રિઝર્વ બેંકની પ્રતિક્રિયા
ફુગાવાને નિયંત્રિત કરવા અને ભાવ દબાણ ઘટાડવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) એ તેના મુખ્ય વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંકનો ઉદ્દેશ્ય ફુગાવો 4% ની આસપાસ જાળવવાનો છે.
રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે સીપીઆઇ ફુગાવો 4% ની આસપાસ જાળવવાનો અંદાજ લગાવ્યો છે. પ્રથમ ક્વાર્ટરમાં ફુગાવો 3.6%, બીજા ક્વાર્ટરમાં 3.9%, ત્રીજા ક્વાર્ટરમાં 3.8% અને ચોથા ક્વાર્ટરમાં 4.4% રહેવાની ધારણા છે.