
આજકાલ ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે ચાલુ ટ્રેનમાંથી એક યુવક નીચે પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના શરીર પર 60 જેટલા ટાંકા લઈને સારવાર કરવામાં આવી હતી.
માથાના ભાગે ઈજા
સુરતથી વાપી તરફ જઈ રહેલા નેપાળી યુવક ભરત દમાઈને નવસારી નજીક અકસ્માત નડ્યો હતો. ચાલુ ટ્રેનના દરવાજા પરથી ધક્કો લાગવાથી તે નીચે પટકાયો હતો. ભરત દમાઈ સુરતમાં ચાઈનીઝ ફાસ્ટ ફૂડના વ્યવસાય સાથે જોડાયેલો છે. અકસ્માતમાં તેને માથા અને હાથ-પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
માથાના ભાગે ઈજા પહોંચી
ટ્રેનના ડ્રાઈવરે તરત જ નવસારી સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલ યુવકને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની ગંભીર ઈજાઓના કારણે માથામાં 45 અને શરીરના અન્ય ભાગોમાં મળીને કુલ 60 ટાંકા લેવામાં આવ્યા છે.