
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના હાલ ભારતનો સૌથી મોટો અકસ્માત છે, જેમાં મોટી સંખ્યામાં જાનહાનિ અને માલહાનિ નોંધાઈ છે. એવામાં વીમાના ક્લેમની રકમ ઘણી વધારે હોય શકે છે. અનુમાન છે કે, આ રકમ 1500 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ભારતે 2009માં 1999ના મૉન્ટ્રિયલ સંમેલન પર હસ્તાક્ષર કર્યા છે, જેથી હવાઈ સંકટ અને નુકસાન માટે વીમાના ક્લેમ પર વિશેષ નિયમ લાગુ થશે. નોંધનીય છે કે, AI 171 વિમાન ગુરૂવારે (12 જૂન) મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થયું હતું અને વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત નિપજ્યા હતાં. જોકે, એક મુસાફર આ અકસ્માતમાં બચી ગયો હતો. અકસ્માતમાં કુલ 265 લોકોનો મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી છે.
કઈ વીમા કંપની સામેલ છે?
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જે પ્રકારે નુકસાન થયું છે, તેના પર વીમા ક્લેમ પર આટલી રકમ કોઈ ચોંકાવનારી નથી. સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વીમા સાથે જોડાયેલી અમુક મુખ્ય વાત જણાવવામાં આવી છે. જે અનુસાર એવિએશન પોલિસીનું નેતૃત્વ ટાટા એઆઈજી જનરલ ઈન્શ્યોરન્સ કરે છે. જેને જીઆઈસી આરઈ, યુનાઇટેડ ઈન્ડિયા, ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ જેવી સહ-વીમા કંપનીઓનો ટેકો છે. લગભગ 95 ટકા સિસ્ક માટે મોટી વૈશ્વિક કંપનીઓ પાસે રિઈન્શ્યોરન્સ છે. તેમાં એઆઈજી, એએક્સએ એક્સએલ અને લંડન તેમજ બરમૂડાના અન્ય રિઈન્શ્યોરન્સ કંપની સામેલ છે.
વિમાનના વીમાની રકમ કેટલી?
આ ભયાનક અકસ્માતમાં બોઇંગ 787-8 વિમાન સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચુક્યુ છે. તેનો વીમો, તેની ઉંમરના આધારે આશરે 650-700 કરોડ રૂપિયા થયો છે. મૉન્ટ્રિયલ સંમેલન હેઠળ, મૃત યાત્રીઓના પરિવારોને લગભગ 1 કરોડ રૂપિયા પ્રતિ પરિવાર મેળવવાનો અધિકાર છે, જેની જાહેરાત પહેલાંથી જ થઈ ચુકી છે. 240થી વધુ મોત સાથે, આ ચૂકવણી 240 કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. અંતિમ સેટલમેન્ટ અને કાયદાકીય દાવાના આધારે આ રિસ્ક કવરેજની રકમ 1000 થી 1500 કરોડની રકમ પાર કરી શકે છે.