
Bengaluru Stampede Update : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની પોલીસે ધરપકડ કરી છે. 4 જૂને બેંગ્લુરુમાં RCB ની વિજય પરેડ પહેલા થયેલી નાસભાગ મામલે પોલીસે આ પહેલી ધરપકડ કરી છે. આ દરમિયાન અન્ય 3 લોકોને પણ કસ્ટડીમાં લેવાયા છે. પોલીસે આ કેસમાં FIR નોંધ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
મુંબઈ ભાગી જવાની ફિરાકમાં હતો
માહિતી અનુસાર, નિખિલ સોસલે મુંબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એરપોર્ટ પહોંચતાની સાથે જ પોલીસે તેને પકડી લીધો. બેંગલુરુમાં RCB ની જીત પછી વિજય પરેડ પહેલા થયેલી નાસભાગ અને અરાજકતામાં તેની ભૂમિકા કેટલી ગંભીર હતી તે જાણવા માટે નિખિલની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
ત્રણ અન્ય લોકોની પણ અટકાયત
નિખિલ ઉપરાંત, પોલીસે આ કેસમાં વધુ ત્રણ લોકોની અટકાયત કરી છે, તેમની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલમાં, પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કાર્યક્રમનું આયોજન કરવામાં કયા નિયમોની અવગણના કરવામાં આવી હતી? કોની પરવાનગીથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું? અને સલામતીના ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં? આ માટે કોણ જવાબદાર છે?
RCBએ 10-10 લાખની સહાય જાહેર કરી હતી
ઉલ્લેખનીય છે કે નિખિલની ધરપકડને આ કેસમાં મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે અને તેનાથી આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે. અગાઉ, RCB એ નાસભાગમાં જીવ ગુમાવનારા 11 સમર્થકોના પરિવારોને 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી.