
કોંગ્રેસના ચેરપર્સન અને સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ઇરાન ઇઝરાયેલ યુદ્ધને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે અને ઇઝરાયેલ હુમલાની ટીકા કરી છે. સોનિયા ગાંધીએ ભારત સરકારના ચુપ રહેવા પર પણ સવાલ ઉઠાવ્યા છે. એક લેખમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, ઇઝરાયેલ ખુદ પરમાણુ શક્તિ છે પરંતુ ઇરાનને પરમાણુ હથિયાર ના હોવા પર પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ ઇઝરાયેલનું ડબલ માપદંડ છે.
ભારતનું મૌન રહેવું ચિંતાજનક- સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ કહ્યું છે કે ઈરાન ભારતનો જૂનો મિત્ર રહ્યો છે અને આવી પરિસ્થિતિમાં ભારતનું મૌન રહેવું ચિંતાજનક છે. તેમણે કહ્યું કે ભારતે ગાઝામાં થયેલા વિનાશ અને ઈરાનમાં થયેલા હુમલાઓ અંગે સ્પષ્ટ, જવાબદાર અને મજબૂત અવાજમાં બોલવું જોઈએ. હજુ મોડું થયું નથી. સોનિયા ગાંધીએ કહ્યું કે 13 જૂન, 2025 ના રોજ, ઇઝરાયલે ઈરાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું અને એકપક્ષીય હુમલો કર્યો, જે ગેરકાયદેસર અને પ્રાદેશિક શાંતિ માટે ખતરનાક છે. કોંગ્રેસ ઈરાનમાં આ હુમલાઓની નિંદા કરે છે, જે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ગંભીર અસ્થિરતા અને સંઘર્ષ તરફ દોરી શકે છે.
સોનિયા ગાંધીએ ઇઝરાયલી હુમલાની નિંદા કરી
પૂર્વ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે ગાઝા પરના હુમલાની જેમ આ ઇઝરાયલી કાર્યવાહી પણ ક્રૂર અને એકતરફી છે, જે સામાન્ય નાગરિકોના જીવન અને પ્રાદેશિક સ્થિરતાની સંપૂર્ણ અવગણના કરીને કરવામાં આવી હતી. આવા પગલાં ફક્ત અસ્થિરતામાં વધારો કરે છે અને ભવિષ્યમાં મોટા સંઘર્ષના બીજ વાવે છે. તેમણે કહ્યું કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે રાજદ્વારી વાટાઘાટો ચાલી રહી હતી અને તેના સારા સંકેતો પણ હતા. આ વર્ષે પાંચ રાઉન્ડની વાટાઘાટો થઈ છે અને છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો જૂનમાં યોજાવાની હતી.
ઈરાન સાથે મિત્રતા મહત્ત્વપૂર્ણ છે સોનિયા ગાંધીએ કહ્યું કે ઈરાન ભારતનો જૂનો મિત્ર રહ્યો છે, અને બંને સભ્યતાઓ વચ્ચે ઊંડો સંબંધ છે. ઈરાને ઘણી વખત ભારતને ટેકો આપ્યો છે. 1994માં, ઈરાને સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવને અવરોધવામાં મદદ કરી હતી, જેમાં જમ્મુ અને કાશ્મીરના મુદ્દા પર ભારતની ટીકા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ઈરાન વિરુદ્ધ ઈઝરાયલી કાર્યવાહીને પશ્ચિમી દેશોનો સંપૂર્ણ ટેકો છે અને તેમાં કોઈ જવાબદારી નથી. કોંગ્રેસે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર થયેલા હુમલાની નિંદા કરી હતી, પરંતુ તે જ સમયે આપણે ઈઝરાયલની ક્રૂર કાર્યવાહી પર ચૂપ રહી શકીએ નહીં.
ભારત સરકાર પર ઉઠાવ્યા સવાલ
દિગ્ગજ કોંગ્રેસ નેતાએ કહ્યું કે 55,000થી વધારે પેલેસ્ટાઇની પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. આખા પરિવાર, મોહલ્લા અને હોસ્પિટલને પણ નષ્ટ કરવામાં આવી છે. ગાઝા ભૂખમરીનો સામનો કરે છે અને ત્યાની જનતા દર્દ ઝેલી રહી છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. સોનિયા ગાંધીએ કહ્યું કે માનવીય સંકટના સમયમાં નરેન્દ્ર મોદી સરકારે ભારતની ટૂ-સ્ટેટ સોલ્યૂશનની પ્રતિબદ્ધતાને લગભગ પુરી રીતે છોડી દીધી છે. એક એવું સમાધાન જેમાં સ્વતંત્ર પેલેસ્ટાઇન, ઇઝરાયેલ સાથે સુરક્ષા અને સન્માન સાથે મળીને રહી શકે.