
Iran News : ઇઝરાયલ ઇરાન યુદ્ધ થોડા સમય પૂરતું તો અટક્યું છે. ડૉનાલ્ડ ટ્રમ્પે જ યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી, પરંતુ ઇરાનને કળ વળતાં હજી સમય લાગે તેમ છે. દરમિયાન ઇરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ યુદ્ધ વિરામ પછી પણ કેટલાય સમયથી દેખાયા નથી. વાસ્તવમાં ઇઝરાયલ ઇરાન યુદ્ધ શરૂ થયું પછી લગભગ તુર્ત જ તેઓ ઇરાનમાં પણ દેખાયા નથી.
એક સપ્તાહથી જાહેરમાં દેખાયા નથી
ઇરાનમાં દરેક સમયે જેઓનો નિર્ણય આખરી ગણાય છે, તેવા ખામેનેઈ હજી ઇરાન પર કટોકટી તોળાઈ રહી હોવા છતાં, છેલ્લાં એક સપ્તાહથી જાહેરમાં દેખાયા નથી કે, કશું બોલતા પણ જણાયા નથી.
ઇરાનના અધિકારીઓ કહે છે કે પોતાની હત્યા થવાની ભીતિને લીધે તેઓ ઇલેક્ટ્રોનિક મીડીયા સમક્ષ જતા નથી. ઇરાનના અધિકારીઓ જે કહે તે પરંતુ ઇરાનના રાજકીય અગ્રણીઓથી શરૂ કરી જન સામાન્ય સુધી દરેક હતાશ થઇ રહ્યા છે.
ખામેનેઈની ઓફીસના અધિકારી મેહદી ફઝલેએ કહ્યું હતું કે ખામેનેઈનાં રક્ષણની જવાબદારી જેમને સોંપાઈ છે તેઓ તેમની ફરજ સારી રીતે બજાવે છે. ઇન્શાનલ્લાહ આપણા લોકો ટૂંક સમયમાં આપણાં નેતા સાથે વિજયોત્સવ મનાવી શકશે.
ગોળ ગોળ જવાબ આપતાં અટકળો શરૂ
ઇરાનના સર્વોચ્ચ નેતા દેખાતા નથી તે પ્રશ્ન ઇરાનનાં સ્ટેટ ટેલીવિઝન ઉપર હોસ્ટે મહેદી ફઝલેઇ સમક્ષ મુક્યો અને કહ્યું કે આવા કટોકટીના સમયે પણ ખામેનેઈ જોવા ન મળતાં રાજકીય નેતાઓ તથા સામાન્ય નાગરિકને પણ ચિંતા થાય તે સહજ છે. તેઓ પૂછે છે ખામેનેઈ ક્યાં છે ? પરંતુ ખામેનેઈના તે સહાયકે સીધો જવાબ આપવાને બદલે તેમ કહ્યું કે આપણે બંદગી કરીએ જેઓ સર્વોચ્ચ નેતાનું રક્ષણ કરી રહ્યા છે, તેઓ તેમનું કાર્ય સારી રીતે કરી રહ્યા છે. ઇન્શાનલ્લાહ આપણે આપણા નેતા સાથે વિજયોત્સવ માણી શકીશું તેવી આશા રાખીએ.
ટૂંકમાં ફઝેલીએ સ્પષ્ટ ઉત્તર આપવાને બદલે આવો ગોળ ગોળ જવાબ આપતાં વધુને વધુ અટકળો શરૂ થાય તે સહજ છે.