ગુજરાતમાં છેલ્લા થોડા દિવસ ચેલેન્જનું વોર શરું થયું છે. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને મોરબીથી ચૂંટણી લડવા માટે ચેલેન્જ આપી હતી. આ મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી પ્રચંડ જીત બાદ ભાજપના લોકો બેબાકળા બન્યા છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના રાજીનામાની અફવાઓ ફેલાવી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ભાજપના નેતાઓ પાસે કરોડો રુપિયા આવી ગયા હોય તો તમારા વિસ્તારના કામ કરો, રોડ-રસ્તા અને ગટરના કામ કરો. તમે એ કામ નથી કરી શક્યા. લોકો તમારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો એવું કહી રહ્યા છે કે વિસાવદરવાળી કરવી છે. વિસાવદરના લોકોએ ગોપાલ ઈટાલિયાને પ્રચંડ બહુમતીથી જીતાડ્યા છે. અને ગોપાલભાઈ સતત તેમના ક્ષેત્રના કામો કરી રહ્યા છે. ગોપાલ ઈટાલિયા કોઈપણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં. ખરેખર તો રાજીનામું મુખ્યમંત્રીએ આપવું જોઈએ. બ્રિજમાં 17 લોકો મૃત્યુ પામે છે, તે પહેલા 135 લોકો મૃત્યુ પામે છે.